Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

અમૃતસર - જામનગર કોરિડોર સિકસ - લેન હાઇવે ઝડપથી બને છેઃ આવતા વર્ષે લોકાર્પણ

૧૨૨૪ કિમી : ૨૦૩૦ કરોડનો ખર્ચ : ૪ રાજયોને જોડશે

નવી દિલ્‍હી, તા.૨૬: કેન્‍દ્રિય રોડ પરિવહન અને નેશનલ હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ સંખ્‍યાબંધ ટવીટ દ્વારા માહિતી આપી છે કે એકસેસ કંટ્રોલ ગ્રીન ફીલ્‍ડ સીકસ લેન હાઇવેનું કામ ગતિપૂર્વક ચાલુ છે. આ એકસપ્રેસવેનું કામ રાજસ્‍થાન / ગુજરાતની બોર્ડરથી નેશનલ હાઇવે ૭૫૪-એના સાંતલપુર સેકશનમાં ચાલી રહ્યું છે.

આ પ્રોજેકટ ભારતમાલા પરિયોજના હેઠળના અમૃતસર - જામનગર ઇકોનોમીક કોરીડોરનો એક ભાગ છે બની રહેલ આ ભાગનો પ્રોજેકટ ખર્ચ ૨૦૩૦ કરોડ રૂપિયા છે. અને એકવાર આ પ્રોજેકટ પુર્ણ થયા પછી આ સેકશનનો ટ્રાવેલ ટાઇમ ૨ કલાક જેટલો ઘટી જશે અને અંતર ૬૦ કીલોમીટર જેટલુ ઘટી જશે.

ગડકરીએ વધુમાં કહ્યું કે આ આખા સેકશનની ઇકોસીસ્‍ટમ મજબૂત કરવા અને પ્રદૂષણ ઘટાડવા માટે મધ્‍યમ અને મોટા વૃક્ષો વાવવામાં આવશે. આ સેકશન ભારત- પાકિસ્‍તાન સરહદની નજીકનો હોવાથી આ માર્ગ સુરક્ષા દળો અને મીલીટરો વાહનોની ઝડપી હેરફેરમાં મદદરૂપ બનશે. ૧૨૨૪ કિલોમીટર લાંબો અમૃતસર-ભટીંડા-જામનગર કોરીડોર નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ૨૬૦૦૦ કરોડના ખર્ચે બની રહ્યો છે. અને તે સપ્‍ટેમ્‍બર ૨૦૨૩ સુધીમાં પુરો થવાની આશા છે. તેમાંથી ૯૧૫ કીલોમીટરનો કોરીડોર ગ્રીનફીલ્‍ડ એલાઇનમેંટ આધારિત છે જયારે બાકીનો ભાગ વર્તમાન નેશનલ હાઇવેને અપગ્રેડ કરીને તૈયાર કરાશે.

આ કોરીડોર ભટીંડા, અમૃતસર, સાંગરીયા, બીકાનેર, સાંચોટ, જામનગર અને સામખીયાળી જેવા આર્થિક શહેરોને જોડશે. તે પંજાબ, હરિયાણા, રાજસ્‍થાન અને ગુજરાત ચાર રાજયોમાંથી પસાર થશે.

આ કોરીડોર ઉત્તરના ઔદ્યોગીક અને કૃષિ કેન્‍દ્રોને પશ્‍ચિમના મહત્‍વના બંદરો કંડલા અને જામનગર સાથે જોડશે. આ કોરીડોરનું કામ પૂર્ણ થયા પછી બડ્ડી, ભટીડા અને લુધીયાણા તેમજ જમ્‍મુ કાશ્‍મીરના ઔદ્યોગિક પટ્ટાને મળવાની આશા છે.

(12:00 am IST)