Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ગજબ! ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઉતાર્યા સ્‍વિમિંગ પુલમાં

વીડિયો વાયરલ : હિન્‍દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્‍યો

ઉદયપુર,તા. ૨૭ : ભારતમાં નવરાત્રીને લઈને લોકોના મનમાં અનેરો ઉત્‍સાહ છે. ભારતના લોકો ધર્મ અને ભક્‍તિના મામલે ખૂબ જ સંવેદનશીલ છે. આવી સ્‍થિતિમાં સોશિયલ મીડિયા પર એક વીડિયોએ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આ વીડિયોને લઈને ઈન્‍ટરનેટ પર હોબાળો થયો છે. વીડિયો રાજસ્‍થાનના ઉદયપુરનો છે.

ઉદયપુરના આ વીડિયોમાં તમે સ્‍વિમિંગ પૂલની અંદર ગરબા ડાન્‍સ કરતા યુવકો અને યુવતીઓને જોઈ શકો છો. ફિલ્‍મ ‘લવયાત્રી'નું ગીત ‘છોગાડા તારા' બેકગ્રાઉન્‍ડમાં વાગી રહ્યું છે. આ ગીત પર દરેક લોકો ગરબા કરતા જોઈ શકાય છે.

આ વીડિયો વાયરલ થયા બાદ મોટી સંખ્‍યામાં લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયોની આલોચના કરતા અને ગુસ્‍સે થતા જોવા મળ્‍યા હતા. હિન્‍દુ સંગઠનોએ પણ આ વીડિયોને લઈને વિરોધ નોંધાવ્‍યો હતો અને આયોજક વિરુદ્ધ ફરિયાદ નોંધવાની વાત પણ કરી હતી. બાદમાં આયોજકે આ મામલે માફી પણ માગી છે.

વીડિયોને કારણે થયેલા હોબાળા બાદ આયોજકનું કહેવું છે કે તેને ખ્‍યાલ નહોતો કે તેનાથી લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચશે. કંઈક નવું કરવા અને તેને યોગ-ધ્‍યાન સાથે જોડવાના ઉદ્દેશ્‍ય સાથે તેમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

(11:30 am IST)