Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ભારતીય એરલાઇન્‍સમાં ૬૬ ટકા પાયલટ ઉડાન વખતે કોકપીટમાં ઉંઘી જાય છે

વધુ કામના થાકને કારણે પાયલટોની સ્‍થિતી ખરાબ હોવાનો દાવો : સર્વેમાં સામેલ ૫૪૨ પાયલટોમાંથી ૩૫૮એ ઉડાન સમયે ઉંઘી જતા હોવાની કબૂલાત

નવી દિલ્‍હી,તા. ૨૭ :  વિમાન ઉડી રહ્યું હોય તેવી સ્‍થિતિમાં પણ વિમાનના કેટલાક પાયલટ ઉંઘી જતા હોવાનો દાવો એક અભ્‍યાસમાં કરવામાં આવ્‍યો છે. આ અભ્‍યાસમાં જણાવવામાં આવ્‍યું છે કે ભારતીય એરલાઇન્‍સોમાં કામ કરતા ૬૬ ટકા પાયલટ ઉડાન દરમિયાન પણ સુઇ જાય છે. આ અભ્‍યાસમાં ૫૪૨ પાયલટનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો. જેમાં ૩૫૮ પાયલટે સ્‍વિકાર કર્યો હતો કે થાક લાગવાથી તેઓ કોકપિટમાં સુઇ જાય છે.

સેફટી મેટર્સ ફાઉંડેશન દ્વારા હાથ ધરવામાં આવેલા આ સરવેમાં ઘરેલુ ઉડાન માટે કામ કરતા પાયલટોનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો. સામાન્‍ય રીતે આ પાયલટ ચાર કલાક માટે ઉડાન ભરતા હોય છે. પાયલટોએ આપેલા જવાબોમાં દાવો કરવામાં આવ્‍યો છે કે ૫૪ ટકા પાયલટને દિવસ દરમિયાન સુવાની ટેવ છે. જયારે ૪૧ ટકા પાયલટ એવા છે કે જેઓ ક્‍યારેક સુઇ જતા હોય છે.

આ સરવેમાં એવો પણ દાવો કરવામાં આવ્‍યો છે કે વિમાનના મોટા ભાગના અકસ્‍માતોનું એક મુખ્‍ય કારણ પાયલટને લાગેલો થાક હોય છે. અનેક પાયલટ પોતાની નોકરી અને કામગીરીના પ્રેશર સાથે તાલમેલ નથી બેસાડી શકતા. આજકાલ એવો પણ ટ્રેન્‍ડ ચાલી રહ્યો છે કે જેમાં એરલાઇન્‍સ ઓછા કર્મચારીઓમાં કામ કરાવવા માગે છે.

જેને કારણે પાયલટોના કામના કલાકો પણ વધી જતા હોય છે. અગાઉ સપ્તાહમાં ૩૦ કલાકની ઉડાન ભરવાની થતી હતી, જોકે હવે પ્રેશરને કારણે સપ્તાહ સુધી બેક ટુ બેક ફલાઇટ લઇ જવી પડી રહી છે.  જેને કારણે પણ પાયલટ થાકી જતા હોય છે. જો કોઇ પાયલટ બેક ટુ બેક મોર્નિંગ ફલાઇટ લઇને જતો હોય તો તે મોટાભાગે કોકપિટમાં જ સુઇ જાય છે. સવારની ફલાઇટ લઇ જવા માટે પાયલટે રાત્રે બે વાગ્‍યે જાગવું પડે છે. ક્રૂ મેમ્‍બરને એલર્ટ કર્યા વગર જ તેઓ સુઇ જતા હોવાનું પણ સામે આવ્‍યું છે.

(10:24 am IST)