Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

૪ દિવસના શેરબજારના ધબડકાએ અદાણી : અંબાણીને જબરૂ નુકસાન પહોંચાડયું : અબજો ગુમાવ્‍યા

અંબાણી ટોપ ૧૦માંથી બહાર : અદાણી ત્રીજા ક્રમે ધકેલાયા

મુંબઇ તા. ૨૭ : સ્‍થાનિક શેરબજારમાં ઉથલપાથલ ચાલી રહી છે. છેલ્લા ચાર દિવસથી સતત ઘટાડા વચ્‍ચે આજે બજારમાં નબળાઈ પ્રવર્તી રહી છે. છેલ્લા ચાર સત્રોમાં સેન્‍સેક્‍સ ૨,૫૭૪ પોઈન્‍ટ તૂટ્‍યો હતો અને આ સમયગાળા દરમિયાન રોકાણકારોને ૧૩ લાખ કરોડથી વધુનું નુકસાન થયું હતું. ગઇકાલે સેન્‍સેક્‍સ ૯૫૩.૭૦ પોઈન્‍ટના ઘટાડા સાથે ૫૭,૧૪૫.૨૨ પોઈન્‍ટ પર બંધ થયો હતો. પરંતુ બજારના આ ઘટાડાથી દેશના અબજોપતિઓ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે.

ગઇકાલે શેરબજારમાં આવેલા ભારે ઘટાડાથી ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સંપત્તિમાં ખાડો પડ્‍યો હતો. જેના કારણે વિશ્વના બંને અબજોપતિઓનો દરજ્જો ઘટી ગયો છે. અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણી ત્રીજા સ્‍થાને સરકી ગયા છે. ફોર્બ્‍સના રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્‍ડેક્‍સમાં બર્નાર્ડ આર્નોલ્‍ટ અને ઈલોન મસ્‍ક તેમનાથી ઉપર છે. તે જ સમયે, જેફ બેઝોસે તેને બ્‍લૂમબર્ગ બિલિયોનેર ઈન્‍ડેક્‍સમાં પછાડીને બીજા સ્‍થાન પર કબજો જમાવ્‍યો છે.

મુકેશ અંબાણીની સંપત્તિમાં $૨.૬ બિલિયનનો ઘટાડો થયો છે અને તેઓ ફોર્બ્‍સના રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્‍ડેક્‍સમાં આઠમા નંબરે છે. પરંતુ હવે બ્‍લૂમબર્ગ બિલિયોનેર ઈન્‍ડેક્‍સની વાત કરીએ તો તે અહીં ટોપ ૧૦માંથી ૧૧મા નંબર પર છે. અહીં તેમની નેટવર્થ $૮૨.૪ બિલિયન જણાવવામાં આવી છે. બ્‍લૂમબર્ગમાં લેરી એલિસન $૮૨.૯ બિલિયનની નેટવર્થ સાથે તેમનાથી આગળ છે.

ફોર્બ્‍સના રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્‍ડેક્‍સમાં ગૌતમ અદાણીની કુલ સંપત્તિ $૧૪૨.૧ બિલિયન છે. તે જ સમયે, બ્‍લૂમબર્ગ બિલિયોનેર ઇન્‍ડેક્‍સ અનુસાર, તે ઼ ૧૩૫ બિલિયનની સંપત્તિના માલિક છે. તમને જણાવી દઈએ કે ફેડ રિઝર્વ દ્વારા વ્‍યાજ દરમાં વધારા બાદ યુએસ માર્કેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આનાથી દુનિયાભરના અમીરોને આંચકો લાગ્‍યો છે.

(4:14 pm IST)