Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

શાળાઓમાં સરસ્વતીજીના ફોટા ન મૂકવા જોઈએઃ છગન ભૂજબળ

એનસીપીના કદાવર નેતાનું વિવાદાસ્પદ નિવેદન : શાળામાં સાવિત્રીબાઈ ફૂલે, મહાત્મા ફૂલે, સાહુ મહારાજ અને ભીમરાવ આંબેડકરની તસવીર લગાવવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો

નવી દિલ્હીે, તા.૨૭ : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી અને એનસીપીના કદાવર નેતા છગન ભુજબલ શાળામાં મા સરસ્વતીના ફોટાવાળા નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટા અને પૂજા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. 

છગન ભુજબળ સોમવારે યશવંતરાવ ચવ્હાણ સેન્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું કે, શાળાઓમાં મા સરસ્વતીજીના ફોટો અને પૂજા ન કરવી જોઈએ, કારણ કે તેમણે અમને ક્યારેય કંઈ શીખવ્યું નથી. 

પૂર્વ મંત્રી છગન ભુજબળે જણાવ્યું હતું કે, શાળામાં  સાવિત્રીબાઈ ફૂલે, મહાત્મા ફૂલે, સાહુ મહારાજ અને ભીમરાવ આંબેડકરની તસવીર લગાવવી જોઈએ.

છતાં શાળાઓમાં સરસ્વતી અને શારદા મા ના ફોટો લગાવવામાં આવે છે, જેમણે આપણને કંઇ શીખવ્યુ નથી, જેમને આપણે ક્યારેય જોયા નથી. સરસ્વતી અને શારદા માતાએ જે શીખવ્યું તે માત્ર ૩ ટકા જ શીખવ્યું અને તે પણ આરએસએસના લોકોને અને તેનાથી આપણને દૂર અને અલગ રાખ્યા.

શાળાઓમાં સરસ્વતીની પૂજા પર સવાલ ઉઠાવતા એનસીપી નેતા ભુજબળે કહ્યું કે, શા માટે તેની પૂજા કરવી જોઈએ?

મહાત્મા ફુલે, આંબેડકર, શાહુજી, જેમના કારણે તમને શિક્ષણ, અધિકાર મળ્યા, તેમની પૂજા કરો. તેના વિચારોની પૂજા કરો અને તે તમારા ભગવાન હોવા જોઈએ. બાકીના દેવોને આપણે પછી જોઇશુ.

ભાજપે એનસીપી નેતા પર પલટવાર કર્યો છે અને આ નિવેદનનો વિરોધ કર્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપના નેતા રામ કદમે આ નિવેદન માટે ભુજબળ પાસે માફી માંગવાની માંગ કરી છે.

(7:33 pm IST)