Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

એલન મસ્કની સંપત્તી ૨૫.૬ બિલિયન ડોલર વધી ગઈ

સોમવારે શેરમાં ઊછાળાથી ટેસ્લાનું વેલ્યુએશન વધ્યું : હર્ટ્ઝે ટેસ્લા પાસેથી એક લાખ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાની જાહેરાત કરતા ટેસ્લાના શેરના ભાવ ઊછળ્યા

વોશિંગ્ટન, તા.૨૬ :  અમેરિકન અબજોપતિ ઉદ્યોગપતિ અને ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના સીઈઓ એલન મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં ૨૫.૬ બિલિયન ડોલર એટલે કે લગભગ રૃ. ૧૯.૨૩ ટ્રિલિયન (૧૯૨૩૦૦૦૦૦૦૦૦૦ રૃપિયા)નો વધારો થયો છે. સોમવારે ટેસ્લાના શેરમાં આવેલા ઉછાળાને કારણે પ્રથમ વખત કંપનીનું વેલ્યૂએશન એક ટ્રિલિયન ડોલર એટલે કે એક લાખ કરોડ ડોલર (લગભગ ૭૫ લાખ કરોડ રૃપિયા)ને પાર કરી ગયું. આવું ત્યારે થયું જ્યારે કાર ભાડે આપતી કંપની હર્ટ્ઝે ટેસ્લા પાસેથી એક લાખ ઇલેક્ટ્રિક વાહનો (ઈવી) ખરીદવાની જાહેરાત કરી. આ સોદાથી ટેસ્લાના શેરના ભાવ આસમાને પહોંચ્યા અને કંપનીએ પ્રથમ વખત ઇં૧ ટ્રિલિયનનો આંકડો પાર કર્યો.

             ફોર્બ્સ મેગેઝિનના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, સોમવારે યુએસ શેરબજાર બંધ થવાના સમયે મસ્કની કુલ સંપત્તિ શુક્રવાર સાંજથી ૧૧.૪ ટકા વધી ૨૫૫.૨ અરબ ડોલર હતી, આટલી સંપત્તિ કદાચ આજ સુધી કોઈ વ્યક્તિ પાસે રહી નથી. શેરબજારના એક જ ટ્રેડિંગ સેશનમાં તેમની સંપત્તિમાં ૨૫.૬ અરબ ડોલરનો વધારો થયો છે. આ યાદી અનુસાર જેફ બેઝોસ વિશ્વના સૌથી અમીર લોકોના મામલે ૧૯૩.૩ અરબ ડોલરની સાથે તેમનાથી ઘણા પાછળ છે. એક નિવેદનમાં કંપનીએ કહ્યું કે ૨૦૨૨ના અંત સુધીમાં એક લાખ ટેસ્લા કારની ખરીદી પૂર્ણ થઈ જશે. મોટાભાગના મોડલ ૩ નાની કાર હશે. કંપની ચાર્જિંગ સ્ટેશનનું પોતાનું નેટવર્ક બનાવશે કારણ કે તે યુ.એસ.માં ભાડે ઈવીનું સૌથી મોટું નેટવર્ક બનાવવા માંગે છે.

(9:36 pm IST)