Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

આઇએસઆઇએસ આતંકીઓના હીટલીસ્ટ પર હવે ચીન

આઇએસઆઇએસ પોતાના ગ્રુપમાં ઉઇગર મુસ્લિમોને ભરતી કરી રહ્યું છે : તાલિબાનને ટેકો ચીન માટે બનશે જોખમરૂપ

કાબુલ તા. ૨૭ : અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી વિદાય લીધા પછી ત્યાં તાલિબાનોએ સત્તા તાકાતના જોરે મેળવી છે. તાલિબાનોને ટેકા આપવામાં ચીન પણ અગ્રેસર છે. છેલ્લા એક મહિનામાં અફઘાનિસ્તાનમાં બે આત્મઘાતી બોમ્બ હુમલાઓ થયા છે. જેમાં તાલિબાન વિરોધી આઇએસઆઇએસ-કેનો હાથ હોવાનું કહેવાઇ રહ્યું છે.

જે લોકોને એવું લાગતું હોય કે ચીન એક પણ ગોળી છોડયા વગર અફઘાનિસ્તાનમાં વિજય મેળવ્યો છે તેઓ નથી જાણતા કે ખરેખર તો તાલિબાનને ટેકો આપીને ચીન પોતાના આંગળા અજાણતા જ દઝાડી રહ્યું છે. અત્યારે આઇએસઆઇએસ-કેના આતંકવાદી જૂથમાં જે નવી ભરતી થઇ રહી છે તેમાં મોટા ભાગે અફઘાનિસ્તાનના બ્લોચ અને ચીનના ઉઇગર મુસ્લિમો જ છે.

આખી દુનિયા જાણે છે કે ચીને રીહેબીલીટેશન કેમ્પના નામો લાખો ઉઇગર મુસ્લિમોને કેદ કરી રાખ્યા છે. હવે ઉઇગર મુસ્લિમોમાંથી યુવાઓ આઇએસએસના આતંકવાદી જુથોમાં ભરતી થઇ રહ્યા છે જે પ્રશિક્ષિત થયા પછી ચીન માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. ગયા મહિને અફઘાનિસ્તાનમાં થયેલ આત્મઘાતી બોમ્બ હુમલામાં ૫૦ લોકોના મોત થયા હતા આનો સુસાઇડ બોમ્બર મહમદ અલ વીગરી હતો, જે ઉઇગર મુસ્લિમોના ઉગ્રવાદી જૂથનો સભ્ય હતો.

ચીનનો શીન જીયાંગ પ્રાંત અત્યારે આઇએસઆઇએસ માટે મોટું ભરતી કેન્દ્ર બની ગયું છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનનું બલુચીસ્તાન પણ ચીનનું વિરોધી છે કેમકે ચીન - પાકિસ્તાન ઇકોનોમીક કોરીડોરની સૌથી ખરાબ અસર આ પ્રાંતના લોકોને ભોગવવી પડે છે.

આમ, આઇએસઆઇએસના આતંકવાદી ગ્રુપમાં ભરતી થઇ રહેલા ઉઇગર અને બલોચો ભવિષ્યમાં ચીન માટે માથાના દુખાવો બની શકે છે. ચીને તાલિબાનોને ટેકો આપીને અમેરિકાએ અફઘાનિસ્તાનમાં કરેલી ભૂલને દોહરાવી છે અને આ મામલે ભવિષ્યમાં તેના આંગળા દાઝવાની પુરી શકયતાઓ છે.

(12:54 pm IST)