Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

જિયોફોન નેકસ્ટર દિવાળી સુધીમાં લોન્ચ થશે : સુંદર પિચાઇ

આ ફોન જિયો, ગૂગલ અને કવાલકોમે સાથે મળીને બનાવ્યો છે : ફોનની ખાસીયત દર્શાવતો વીડિયો જાહેર

નવી દિલ્હી, તા. ર૭: ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યુ છે કે ભારતમાં જિયોફોન નેકસ્ટ દિવાળી સુધીમાં લોંચ થશે. આ માટે સમયસીમા પ્રમાણે કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં એવું જોવા મળ્યું છે કે લોકો ફીચર ફોનમાંથી સ્માર્ટફોન તરફ જવા માંગે છે. જિયોફોન નેકસ્ટ અંગ્રેજીથી ઉપર ઉઠીને લોકોને સ્થાનિક અધિકાર આપવા માટે બનાવવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ડિજિટલ ટ્રાન્સમિશનનો પાયો નાખશે. ત્રણથી પાંચ વર્ષની અંદર તેનો મોટો પ્રભાવ નજરે પડશે. આ પહેલા સોમવારે રિલાયન્સ જિયોએ પ્રથમ વખત અધિકારિક રીતે જિયો ફોનની ખાસિયત દર્શાવતો વીડિયો જાહેર કર્યો હતો. આ ફોન જિયો, ગૂગલ અને કવાલકૉમ જેવા પાર્ટનરોએ સાથે મળીને બનાવ્યો છે.

રિલાયન્સે આ વર્ષે આયોજિત ૪૪મી AGMમાં પોતાના નવા સ્માર્ટફોન JioPhone Next પરથી પડદો ઊંચક્યો હતો. આ સ્માર્ટફોનને JioGoogle સાથે મળીને તૈયાર કર્યો છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત એ છે કે આ સ્માર્ટફોન સૌથી ઓછી કિંમતવાળો 4G સ્માર્ટફોન હશે. પહેલા આ ફોન ૧૦મી સપ્ટેમ્બરના રોજ લૉંચ કરવામાં આવનાર હતો. જોકે, કોઈ કારણોસર તેનું લૉંન્ચિંગ ટાળી દેવામાં આવ્યું હતું.

કંપનીએ ફોન લૉંચ કરતા પહેલા જિયોફોન નેકસ્ટ કેવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે તેનો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં જિયોએ ભારપૂર્વક કહ્યું છે કે, જિયોફોન નેકસ્ટ મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ઇન્ડિયા અને મેડ બાય ઇન્ડિયન્સ છે. એટલે કે આ ફોન ભારતમાં જ, ભારતીયો દ્વારા અને ભારતના લોકો માટે બન્યો છે.

આ ફોનમાં પાછળની બાજુએ ૧૩ મેગાપિકસલનો કેમેરો હશે. આ ફોન એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. વીડિયોમાં જોઈ શકાય છે કે જિયોફોન નેકસ્ટ પ્રગતિ ઓએસ પર કામ કરશે, જેને એન્ડ્રોઇડ OS તરફથી બનાવવામાં આવી છે. રિલાયન્સ જિયો તરફથી એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે ફોનનાં Qualcomm પ્રોસેસર હશે. આ ફોનના અન્ય ફીચર્સની વાત કરીએ તો તેમાં વોઇસ આસિસ્ટન્ટ હશે. જેના મદદથી યૂઝર્સ સરળતાથી ડિવાઇસ ઓપરેટ કરી શકશે.

આ ફોનમાં Read Aloud નામનું પણ એક ફીચર હશે. જેની મદદથી સ્ક્રીન પર રહેલી વસ્તુને ડિવાઇસ જાતે જ રીડ કરશે. આ ઉપરાંત ફોનમાં ટ્રાન્સલેટનામનું ફીચર હશે, જે યૂઝર્સની સ્ક્રિન પર રહેલી ટેકસ્ટને અન્ય ભાષામાં ટ્રાન્સલેટ કરશે. આ ફોનના કેમેરામાં વિવિધ ફોટોગ્રાફી મોડ જેવા કે, portrait mode, night mode વગેરે હશે. આ ફોનમાં પ્રી-લોડેડ ગૂગલ એપ્સ હશે. પ્રગતિ ઓએસને પગલે ફોનની બેટરી ખૂબ સારું પર્ફોર્મ કરશે. આ ઉપરાંત આ ફોનમાં ઓટોમેટિક અપડેટ મળશે. જોકે, કંપની તરફથી આ ફોનની કિંમત અને લૉંચિગ તારીખની જાહેરાત નથી કરવામાં આવી.

(2:55 pm IST)