Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

કેપ્ટન અમરિંદરે નવી પાર્ટીની કરી જાહેરાત : ૧૧૭ બેઠકો પર લડશે ચૂંટણી

'જયારે ચૂંટણી પંચ પાર્ટીના નામ અને ચિહ્નને મંજૂરી આપશે ત્યારે હું તમને જણાવી દઇશ': કેપ્ટન

ચંડીગઢ, તા.૨૭: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આજે બુધવારે મોટી જાહેરાત કરી છે. કેપ્ટન અમરિંદર સિંહની આજે યોજાનારી પ્રેસ કોન્ફરન્સની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેમણે આજે પોતાની પાર્ટીના નામની જાહેરાત કરી ન હતી. કેપ્ટને કહ્યું કે, તે નવી પાર્ટી બનાવશે પરંતુ નામ શું હશે તે હજુ નક્કી નથી. તેમણે કહ્યું કે તેઓ તમામ ૧૧૭ બેઠકો પર ચૂંટણી લડશે.

તેમણે કહ્યું કે, હું એક પાર્ટી બનાવી રહ્યો છું. હવે પ્રશ્ન છે કે પાર્ટીનું નામ શું છે? તે હું તમને જણાવી શકતો નથી. કેમ કે, તે હું પોતે જાણતો નથી. જયારે ચૂંટણી પંચ પાર્ટીના નામ અને ચિહ્રનને મંજૂરી આપશે, ત્યારે હું તમને જણાવી દઇશ. તેમણે કહ્યું કે જયારે સમય આવશે ત્યારે અમે તમામ ૧૧૭ સીટો પર લડીશું, પછી તે એડજસ્ટમેન્ટ સીટ હોય કે અમે પોતાના બળે ચૂંટણી લડીશું. નવજોત સિંહ સિદ્ઘુના સવાલ પર તેમણે કહ્યું કે, તે જયાંથી પણ ચૂંટણી લડશે અમે તેમની સામે લડીશું.

કેપ્ટને કહ્યું કે, જે લોકો સુરક્ષાના પગલાંને લઈને મારી મજાક ઉડાવે છે, જાણી કે હું ૧૦ વર્ષ સેનામાં રહ્યો છું. હું ૯.૫ વર્ષ સુધી પંજાબનો ગૃહમંત્રી રહ્યાં હતો અને સંવેદનશીલ મુદ્દાઓ મારા હેઠળ હતા. જે એક મહિના માટે ગૃહમંત્રી રહ્યાં તે કહે છે કે તેઓ મારા કરતાં વધુ જાણે છે.

અમરિંદર સિંહે કહ્યું કે, તેઓ આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહને ખેડૂતોના મુદ્દાને લઈને મળશે. અમરિંદર સિંહે કહ્યું કે તેઓ ખેડૂતોના મુદ્દે ભૂતકાળમાં ત્રણ વખત ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. આવતીકાલે અમે અમારી સાથે કેટલાક લોકોને લઈ જઈ રહ્યા છીએ, લગભગ ૨૫-૩૦ લોકોને અને અમે આ મુદ્દે ગૃહમંત્રીને મળીશું.

(3:58 pm IST)