Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

સમીર વાનખેડે અને શબાના કુરેશી બંને મુસલમાન હતા આથી તેમણે નિકાહ કરાવ્યા હતાઃ મૌલાનાનો દાવો

મૌલાના મુઝમ્મિલ અહેમદનું કહેવું છે કે જો સમીર વાનખેડેનો દાવો હોય કે તેઓ હિન્દુ છે તો તેઓ ખોટું બોલી રહ્યા છે, કારણ કે નિકાહ સમયે તેઓ મુસલમાન હતા અને તેમના પિતા પણ મુસલમાન હતા, સમીર અને શબાના બંને મુસલમાન હતા એટલે જ નિકાહ કરાવ્યા હતા

મુંબઈ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અંગે રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે તેમના ધર્મ અંગે મોટો ખુલાસો થયો છે. એક મૌલાનાએ દાવો કર્યો છે કે સમીર વાનખેડે અને શબાના કુરેશી બંને મુસલમાન હતા આથી તેમણે નિકાહ કરાવ્યા હતા.

સમીરનો હિન્દુ હોવાનો દાવો ખોટો- મૌલાના

મૌલાના મુઝમ્મિલ અહેમદનું કહેવું છે કે જો સમીર વાનખેડેનો દાવો હોય કે તેઓ હિન્દુ છે તો તેઓ ખોટું બોલી રહ્યા છે. કારણ કે નિકાહ સમયે તેઓ મુસલમાન હતા અને તેમના પિતા પણ મુસલમાન હતા. મૌલાનાએ કહ્યું કે સમીર અને શબાના બંને મુસલમાન હતા. એટલે જ નિકાહ કરાવ્યા હતા અને કાર્યક્રમમાં હજાર બે હજાર લોકો હાજર રહ્યા હતા.

નવાબ મલિકે શેર કર્યું નિકાહનામું

આ અગાઉ એનસીપી નેતા નવાબ મલિકે સમીર વાનખેડેના પહેલા લગ્નનો ફોટો અને નિકાહનામું શેર કર્યું હતું. નવાબ મલિકે ટ્વીટ કરીને કહ્યું કે 7 ડિસેમ્બર 2006ના ગુરુવારના રોજ રાતે 8 વાગે સમીર દાઉદ વાનખેડે અને શબાના કુરેશી વચ્ચે નિકાહ થયો હતો. આ નિકાહ મુંબઈના અંધેરી (વેસ્ટ) ના લોખંડવાલા કોમ્પલેક્સમાં થયો હતો. બીજી ટ્વીટમાં તેમણે લખ્યું કે નિકાહમાં 33 હજાર રૂપિયા મેહર તરીકે અદા કરાયા હતા. જેમાં સાક્ષી નંબર 2 અઝીઝ ખાન હતા. જે સમીર દાઉદ વાનખેડેની મોટી બહેન યાસમીન દાઉદ વાનખેડેના પતિ છે.

સમીર વાનખેડેના પહેલા લગ્નનો ફોટો પણ શેર કર્યો

આ સાથે જ નવાબ મલિકે પોતાની અન્ય ટ્વીટમાં એક ફોટો કર્યો અને દાવો કર્યો કે તે સમીર વાનખેડે અને શબાના કુરેશીના નિકાહની તસવીર છે. તેમણે ફોટા સાથે લખ્યું કે પ્યારી જોડીની તસવીર. સમીર દાઉદ વાનખેડે અને ડો.શબાના કુરેશી. આ સાથે જ તેમણે એક મેરેજ સર્ટિફિકેટ પણ શેર કર્યું અને દાવો કર્યો કે સમીર વાનખેડેનું નિકાહનામું છે. તેમણે લખ્યું કે ‘આ છે ડો.શબાના કુરેશી સાથે ‘સમીર દાઉદ વાનખેડે’ના પહેલા લગ્નનું નિકાહનામું.’

(5:31 pm IST)