Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

કેશુભાઇ અકબરી ચાર ભાઇ અને બે બહેનમાં પાંચમાઃ ૧૮મીથી દાખલ હતાં

પુત્ર વિવેક સાથે રાતે ૧૧:૨૦ કલાકે કેશુભાઇએ વિડીયો કોલથી વાત કરી કહ્યું-હવે સારુ છે ને મોડી રાતે પિતાનું આગમાં મૃત્યુ થયાનો કોલ આવ્યો : વિવેક અકબરીનો આક્ષેપઃ આઇસીયુ સ્ટાફ, એડમીનના ફોન બંધ હતાં: ફીની ઉઘરાણી માટે ચાર-ચાર ફોન કરતાં, એ ફોન પણ બંધ

ઉદય કોવિડ હોસ્પિટલની આગમાં જે હતભાગી કોરોના દર્દીની જિંદગી અકાળે અસ્ત થઇ ગઇ તેમાં કેશુભાઇ લાલજીભાઇ અકબરી (ઉ.વ.૫૦) નામના પટેલ પ્રોૈઢ છુટક જોબવર્ક કરતાં હતાં અને રતનપર ગામે ખેતી ધરાવતાં હતાં. તેઓ ચાર બહેન અને બે ભાઇમાં પાંચમા નંબરે હતાં. ૧૮મીએ તેમને કોરોના લાગુ પડતાં ઉદય કોવિડમાં દાખલ કરાયા હતાં. તેમને સંતાનમાં એક પુત્ર વિવેકભાઇ અને એક દિકરી હિરલબેન જયદિપભાઇ રૈયાણી છે. પત્નિનું નામ સરોજબેન છે. માતા હયાત નથી, પિતા લાલજીભાઇ હયાત છે.

કેશુભાઇના પુત્ર વિવેકભાઇ અને તેમના ભત્રીજા સુનિલભાઇએ જણાવ્યું હતું કે કેશુભાઇને હોસ્પિટલના પહેલા માળે ૧૦૪ નંબરના બેડ પર દાખલ કરાયા હતાં. તેઓ આઇસીયુમાં હતાં. ગઇકાલે જ રાતે દિકરા વિવેકભાઇએ વિડીયો કોલથી વાત કરી હતી ત્યારે કેશુભાઇએ હવે તબીયત સારી છે તેમ કહ્યું હતું. આજે તો આઇસીયુમાંથી તેમને શિફટ કરી જનરલ વોર્ડમાં લઇ જવાના હતાં. પરંતુ કોઇને કયાં ખબર હતી કે જિંદગીની સફરમાંથી જ અકાળે શિફટ થઇ જશે!? સ્વજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે રોજના અમે રૂ. ૫૦-૫૦ હજાર લેખે હોસ્પિટલની ફી ભરતાં હતાં. પૈસા ભરવાના હોય ત્યારે સતત ચાર-ચાર વખત અમને ફોન કરનારા સ્ટાફે રાતે ઘટનાની જાણ કરી નહોતી. અમને પોલીસ મારફથ જાણ થઇ હતી. જેટલી ફી આ હોસ્પિટલમાં વસુલવામાં આવતી હતી એ પ્રમાણેની સુવિધાને નામે મીંડુ હતું. અમે અત્યાર સુધીમાં ચાર લાખ રૂપિયા ભરી દીધા હતાં. અમને આશા હતી કે અમારા સ્વજન હેમખેમ સાજા થઇને બહાર આવશે, પણ હોસ્પિટલની બેદરકારીને લીધે તેમનો ભડથું થયેલો મૃતદેહ અમને મળ્યો હતો. તેવો આક્રોશ વ્યકત કરાયો હતો.

(12:21 pm IST)