Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

સર્વગ્રાહી તપાસ માટે અધિક મુખ્ય સચિવ રાજકોટમાં : 'અકિલા' સાથે વાતચીત

આગના કારણ અને ભવિષ્યમાં આવી ઘટનાના નિવારણ અંગે તપાસ કરાશે : એ.કે.રાકેશ

રાજકોટ તા. ૨૭ : શહેરના મવડી વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાથી દર્દીઓના મૃત્યુના કરૂણ બનાવ અંગે રાજ્ય સરકારે પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એ.કે.રાકેશને તપાસ સોંપી છે. તેઓ આજે બપોર બાદ રાજકોટ આવી રહ્યા છે. ઘટના સ્થળની જાત મુલાકાત લઇને તપાસ કરશે.

શ્રી એ.કે.રાકેશએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, હોસ્પિટલ પર ઘટના વખતની સ્થિતિ, હોસ્પિટલમાં જરૂરી વ્યવસ્થા, મંજુરી વખતની શરતો અને તેનું પાલન, આગ લાગવાનું કારણ વગેરે બાબતોની તપાસ કરવામાં આવશે. હોસ્પિટલ સંચાલકો, તબીબો, જે તે વખતના ફરજ પરના લોકો વગેરેના નિવેદન નોંધવામાં આવશે. સમગ્ર ઘટનાની સર્વગ્રાહી તપાસ કરી ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટેના ઉપાય સૂચવતો અહેવાલ તૈયાર કરીને શકય તેટલી ઝડપે સરકારને સુપ્રત કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી એ.કે.રાકેશ બી.ટેક. સિવિલ એન્જીનિયરીંગની પદવી ધરાવે છે. ભૂતકાળમાં રાજકોટના જિલ્લા કલેકટર સહિત વિવિધ સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. ૧૯૮૯ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. વહીવટી ક્ષેત્રે ૩ દાયકાથી વધુ સમયના અનુભવી છે.

(12:52 pm IST)