Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

બીડન સરકારમાં મહિલાઓના હાથમાં મહત્વની જવાબદારી

ટ્રેઝરી સચીવ, યુએનમાં અમેરિકી રાજદુત અને નેશનલ ઇન્ટેલીજન્સના ડાયરેકટર તરીકે દાયીત્વ સોંપાયું

વોશિંગ્ટન,તા. ૨૭: અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતનાર જો બીડને પોતાની કેબીનેટમાં મહિલાઓ, અશ્વેતો અને અલ્પ સંખ્યકોને સ્થાન આપ્યું છે. મહિલાઓને પ્રમુખ કેબીનેટ અને કેબીનેટના અન્ય પદો ઉપર નામાંકીત કર્યા છે. જેમાં ટ્રેઝરી સચિવ, યુએનમાં અમેરિકી રાજદુત અને નેશનલ ઇન્ટેલીજન્સ ડાયરેકટર જેવા મહત્વના પદ પણ સામેલ છે. અનેક પદો ઉપર પહેલી વાર મહિલાને સ્થાન મળ્યું છે.

જેનેટ યેલેન (ટ્રેઝરી સચીવ) : અમેરિકાના જાણીતા  લેબર અર્થશાસ્ત્રી અને ફેડરલ રિઝર્વના પૂર્વ ચેરમેન જેનેટ યેલેન ટ્રેઝરી સેક્રેટરી બન્યા છે. સેનેટ દ્વારા પુષ્ટી કરાઇ તો તેઓ અમેરિકી ઇતિહાસમાં ટ્રેઝરી વિભાગના પહેલા મહિલા પ્રમુખ બનશે. ૭૪ વર્ષીય જેનેટે ૧૯૯૦માં ડેમોક્રેટીક તરીકે રાજકારણની શરૂઆત કરેલ.

એવ્રિલ હૈન્સ (ડાયરેકટર -નેશનલ ઇન્ટેલીજન્સ) : બીડને સીઆઇએના પૂર્વ ઉપ નિર્દેશક એપ્રિલ હૈન્સને રાષ્ટ્રીય જાસુસી વિભાગના નવા ડાયરેકટર રૂપે નામિત કર્યા છે. હૈન્સ પહેલી મહિલા હશે જે આ પદ સંભાળશે. તેમણે અગાઉ અનેક જવાબદારીવાળા પદ સંભાળ્યા છે.

લીંડા થોમસ (યુએનમાં રાજદુત):  અનુભવી રાજનાયીક લીંડા થોમસ ગ્રીનફીલ્ડને, યુએનમાં અમેરિકી રાજદુતના રૂપમાં નામિત કરાયા છે. આ અમેરિકીનું સૌથી પ્રતિષ્ઠીત કુટનીતીક પદ માનવામાં આવે છે. લીંડાએ ૨૦૧૩ અને ૨૦૧૭ વચ્ચે ઓબામા પ્રશાસનમાં આફ્રીકા માટે અમેરિકી સહાયક વિદેશ મંત્રીના રૂપે કાર્ય કરેલ.

(2:53 pm IST)