Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

આગની ઘટનાની તપાસ માટે 'સિટ'ની રચના કરતાં પોલીસ કમિશનર અગ્રવાલ

સ્ટેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમમાં ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, એસઓજી પીઆઇ આર.વાય. રાવલની નિમણુંકઃ તેના નેજા તળે ટીમ કરશે ન્યાયીક તપાસ

રાજકોટ તા. ૨૭: ઉદય શિવાનંદ કોવિડમાં આગની દૂર્ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ નિપજ્યા હોઇ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાકીદે ઉંડાણપુર્વક અને તટસ્થ તપાસ કરવા તથા ભોગ બનનારના સ્વજનોને ન્યાય મળે તેવી કાર્યવાહી કરવા સુચના આપી હોઇ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે આ ઘટનાની તપાસ કરવા સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશ ટીમ (સિટ)ની રચના કરી છે.

ઘટનાની જાણ થતાં જ માલવીયાનગરના પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, કોન્સ. હિરેનભાઇ આહિર, રઘુભા, કમલેશભાઇ, હોમગાર્ડ હરેશભાઇ, જીતેન્દ્રભાઇ તથા નાઇટ રાઉન્ડમાં રહેલા અધિકારીઓ, કર્મચારીઓ તાકીદે પહોંચી ગયા હતાં અને ગંભીરતા ધ્યાને લઇ અંદર દાખલ દર્દીઓને સલામત રીતે બહાર કાઢવા ફાયર બ્રિગેડ અને હોસ્પિટલ સ્ટાફની મદદ લઇ કામગીરી કરી હતી. ઉચ્ચ અધિકારીઓ પણ તાકીદે પહોંચ્યા હતાં.

દૂર્ઘટનામાં પાંચેય મૃતકોના પરિવારજનોને ન્યાય મળી રહે તે માટે અને હોસ્પિટલ દ્વારા કે અન્ય કોઇ દ્વારા કોઇ બેદરકારી જવાબદાર છે કે કેમ? તેની તપાસ કરવા માલવીયાનગર પોલીસ મથકમાં એ.ડી. નોંધવામાં આવી છે. આ બનાવમાં ઉંડાણપુર્વકની તપાસ કરી સત્વરે સત્ય સામે લાવવા સિટની રચના કરવામાં આવી છે. આ ટીમમાં અધ્યક્ષ તરીકે ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ અને એસઓજી પીઆઇ આર.વાય. રાવલની નિમણુંક કરવામાં આવી છે. આ અધિકારીઓના સુપરવિઝન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સમગ્ર તપાસ થશે. તેમ જણાવાયું છે.

(3:12 pm IST)