Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ઉદય કોવિડ હોસ્પીટલ અગ્નિકાંડની તપાસનો રિપોર્ટ ૮ દિ'માં: ઉદિત અગ્રવાલ

બપોરે સરકારના તપાસનિશ અધિકારી એ.કે. રાકેશને પ્રાથમિક અહેવાલ સોંપાશેઃ ફાયર બ્રિગેડ સમયસર પહોંચી જતા મોટી જાનહાની અટકી

રાજકોટ, તા. ૨૭ :. મવડીનાં આનંદ બંગલા ચોકમાં આવેલ ઉદય કોવિડ હોસ્પીટલ અગ્નિકાંડની ઉંડી તપાસ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરી દેવાઈ છે. જે અનુસંધાને મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે આ સમગ્ર ઘટનાની તપાસ ૮ દિ'માં સરકારને સુપ્રત કરવા માટે ડે. કમિશ્નર શ્રી પ્રજાપતિને આદેશો કર્યા છે અને આજે રાજકોટ આવેલા સરકારના તપાસનિશ અધિકારી શ્રી એ.કે. રાકેશને ઘટનાનો પ્રાથમિક અહેવાલ પણ સુપ્રત કર્યો હતો.

આ અંગે મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યુ હતુ કે ઉદય કોવિડ હોસ્પીટલમાં આગ લાગવાની જાણ થતા ૧ મીનીટમાંજ ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી બચાવ કાર્ય શરૂ કરી દેતા મોટી દુર્ઘટના ટળી હતી છતાં પાંચ વ્યકિતના જીવ ગયા તે દુઃખદ બાબત છે.

દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ આ ઘટનાની ગંભીર નોંધ લઈ રાજ્ય સરકારના લેવલે તપાસ શરૂ કરાવી છે ત્યારે મ્યુ. કોર્પોરેશનના ડે. કમિશ્નર શ્રી પ્રજાપતિને આ સમગ્ર બનાવની ઝીણામાં ઝીણી વિગતો જેવી કે આગનું કારણ તથા હોસ્પીટલમા ફાયરના સાધનો, સ્ટાફને ટ્રેનિંગ કયારે અપાઈ ?, ઘટનાના સી.સી.ટી.વી. ફુટેજ, હોસ્પીટલને એન.ઓ.સી. કયારે અપાયુ, તમામ સાધનોનું પરિક્ષણ બનાવ દરમિયાન થયેલ બચાવ કાર્ય વગેરે બાબતોના વિડીયો ફુટેજ, વહીવટી પ્રક્રિયા, દસ્તાવેજી પુરાવા વગેરે તમામ બાબતો સામેલ કરી સંપૂર્ણ રિપોર્ટ ૮ દિ'માં તૈયાર કરી રાજ્ય સરકારને સુપ્રત કરવા કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.

આ ઉપરાંત આજે આ દુર્ઘટના માટે સરકારે નિમણૂક કરેલા અધિકારી એ.કે. રાકેશને પણ આ ઘટનાનો પ્રાથમિક અહેવાલ સુપ્રત કરી દેવાશે. જેમા રાજકોટમા કેટલી કોવિડ હોસ્પીટલો છે, કેટલી પાસે ફાયર એન.ઓ.સી. છે, કેટલી હોસ્પીટલોને નોટીસો અપાઈ છે ? તેની વિગતો સામેલ કરાઈ હતી.

(3:38 pm IST)