Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ભજનમાં દરરોજ રૂચિ વધે તો સમજજો કે ધાર્મિકતાનો પ્રેમ છેઃ પૂ. મોરારીબાપુ

ગોકુલ-મથુરામા આયોજીત 'માનસ પ્રેમસુત્ર-૩' ઓનલાઇન શ્રી રામકથાનો નવમો દિવસ

રાજકોટ તા. ર૭ :.. 'ભજનમા દરરોજ રૂચિ વધે તો સમજો કે ધાર્મિતાનો પ્રેમ છે', તેમ ગોકુલ-મથુરા ખાતે રમણરેતીમા આયોજીત 'માનસ પ્રેમસુત્ર' ઓનલાઇન શ્રીરામ કથાના નવમા દિવસે પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું.

પૂ. મોરારીબાપુએ કહયુ કે, વ્યાસપીઠમાં એકાગ્ર થઇને ચિંતન કરવુ જોઇએ, મહાપૂરૂષોને શ્રવણ કરવા આવો ત્યારે બધુ છોડીને આવવુ જોઇએ. અને તેમાં એક ચિત થઇ જવુ જોઇએ.

પૂ. મોરારીબાપુએ ગઇકાલે કહયું હતું કે, પરમાત્માને મેળવવા માટે પ્રેમભરી પુકાર જ જરૂરી છે. ત્યાં સ્થાનાંતરની, શબ્દાંતરની, ભાષાંતરની જરૂર નથી. ભાવાંતરની જ જરૂર છે.

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ તો શરૂ થઇ ગયું છે. હવે રામસેતુ પણ બને એ મનોરથ છે. ઇરાદો હોય તો થશે જ, આ થયું છે તો હવે એ પણ થશે. આવતા જાન્યુઆરીમાં ધનુષકોટિ ખાતે રામકથા કરવા જઇએ.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહયું કે, શરૂઆતના દિવસોમાં અતિ અને અતિશય પ્રેમના લક્ષણો આપણે જોયેલા. અહીં અવિરલનો મતલબ છે પ્રગાઢ, નિર્ગૂઢ પ્રેમ. નિર્ભરનો મતલબ ભરપુર પ્રેમ. મારીચ નામના રાક્ષસનો પ્રેમ અંતર પ્રેમ કહી શકાય. અતિશય પ્રેમમાં શરીર પુલકિત થઇ જાય. આંખમાંથી આંસુ વહેવા માંડે છે. એમ અંતરપ્રેમમાં મન પુલકિત થઇ જાય છે. નયન રોતા ન દેખાય પણ મન રડે છે. ભગવાન શાંડિલ્યએ કહયું છે કે, પ્રેમને ત્રણ  નેત્ર હોય છે. એક નેત્ર છે શબ્દ. શબ્દ વકતાનો અને શ્રોતાનો. અહીં બાપુએ કહયું કે, શ્રોતાઓનો મહિમા વધારે છે.

એક માણસે કહયું કે, તે મેવાડ ગયો પણ મીરાં ન મળી, વૃંદાવન ગયો પણ રાધા ન મળી, અવધ ગયો રામ ન મળ્યા, મિથીલ ગયો મૈથિલી ન મળી. પછી આત્મમંથન કર્યુ  ત્યારે જવાબ મળ્યો કે મેં મુંબઇ છોડયું છે જ કયાં ? મારા પણું છોડયું જ નથી.

(3:39 pm IST)