Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

દેશનું અર્થતંત્ર ટેક્નિકલી મંદીમાં સપડાયું : જુલાઈ- સપ્ટે,ના ક્વાર્ટરમાં GDP માઇનસ 7.5 ટકા નોંધાયો

નાણા વર્ષના સતત બીજા ક્વાર્ટરમાં પણ દેશનો જીડીપી માઇનસ: પહેલા ત્રિમાસિકમાં જીડીપી માઇનસ 23.9 ટકા હતો

નવી દિલ્હી : નાણા વર્ષ 2020-21ના બીજા ક્વાર્ટરમાં પણ દેશનો કુલ ઘરેલુ ઉત્પાદ માઇનસ નોંધાયો. આ સાથે ભારત ટેક્નિકલી રીતે મંદીમાં સપડાઇ ગયું છે. સરકારે 27 નવેમ્બરે શુક્રવારે જાહેર કરેલા ત્રિમાસિક આંકડા મુજબ ભારતનો જીડીપી ગ્રોથ માઇનસ 7.5 રહ્યો છે

નાણાવર્ષ 2020-21ના પ્રારંભિક ત્રિમાસિકમાં ભારતનો જીડીપી માઇનસ 23.9 ટકા હતો. જેની તુલનાએ બીજા ક્વાર્ટરમાં સુધારો જોવા મળ્યો છે. તેમ છતાં ગ્રોથ રેટ માઇનસ 7.5 ટકા નેગેટીવ આવતા દેશનું અર્થતંત્ર ટેક્નિકલ રીતે મંદીમાં હોવાનું કહી શકાય એટલે કે ટેક્નિકલ રીતે સતત બે ત્રિમાસિકમાં કોઇ દેશનો જીડીપી નેગેટિવ આવે તો તેને મંદીની સ્થિતિ કહેવામાં આવે છે.

અર્થતંત્રની ખરાબ હાલત માટે માત્ર કોરોના વાઇરસનું કારણ નથી. કોરોના મહામારી ફેલાતા પહેલાંથી જ દેશનું અર્થતંત્ર કથળી રહ્યું છે. ગ્રોથનો ગ્રાફ નીચે આવી રહ્યો હતો અને ઓટો સેક્ટરથી લઇ મેન્યુફેક્ચરિંગમાં પહેલેથી કંપનીઓની હાલત ખરાબ થઇ ગઇ હતી.

પરંતુ માર્ચ 2021માં દેશવ્યાપી લોકડાઉનના 2 મહિના બાદ ભારતનો જીડીપી ઐતિહાસિક માઇનસ 23.9 ટકા પડી ગયો હતો.

સેક્ટરની દૃષ્ટિએ જોવા જઇએ તો કૃષિ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોને કારણે થોડી રિકવરી જોવા મળી છે. બાકી કન્સ્ટ્રક્શન, ટ્રેડ, હોટેલ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરોની સ્થિતિ બહુ ખરાબ છે.

(7:45 pm IST)