Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

દેશનું વિદેશી હૂંડિયામણ ભંડાર 29 કરોડ ડોલર વધી 640.40 અરબ ડોલરે પહોંચ્યું

સોનાના ભંડારનું મૂલ્ય 15.2 કરોડ ડોલર વધીને 40.391 અરબ ડોલર થયું

મુંબઈ :19 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 28.9 કરોડ ડોલર વધીને 640.401 અરબ ડોલર થયું છે. શુક્રવારે રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર અગાઉના સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 76.3 કરોડ ડોલર ઘટીને 640.112 અરબ ડોલર રહ્યું હતું. 3 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં મુદ્રા ભંડાર 642.453 અરબ ડોલરના સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. 

રિપોર્ટિંગ સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ (FCA)માં વધારો થયો છે. FCAનો વિદેશી મુદ્રા ભંડારમાં નોંધપાત્ર હિસ્સો હોય છે. રિઝર્વ બેંકના ડેટા અનુસાર સપ્તાહ દરમિયાન FCA 22.5 કરોડ ડોલર વધીને 575.712 અરબ ડોલર થયું છે. વિદેશી ચલણ અસ્કયામતો ડૉલરમાં વ્યક્ત કરવામાં આવે છે, તેમાં વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલ યુરો, પાઉન્ડ અને યેન જેવા બિન-યુએસ ચલણની હિલચાલનો પણ સમાવેશ થાય છે.

આ સમયગાળા દરમિયાન સોનાના ભંડારનું મૂલ્ય 15.2 કરોડ ડોલર વધીને 40.391 અરબ ડોલર થયું હતું. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના વિશેષ ડ્રોઈંગ રાઈટ્સ સમીક્ષા હેઠળના સપ્તાહમાં 7.4 કરોડ ડોલર ઘટીને 19.11 અરબ ડોલર રહ્યું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં દેશનું મુદ્રા ભંડાર 1.3 કરોડ ડોલર ઘટીને 5.188 અરબ ડોલર થયું છે.

રિઝર્વ બેંક માટે ફોરેન એક્સચેન્જ રિઝર્વ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે આરબીઆઈ નાણાકીય નીતિ નક્કી કરે છે, ત્યારે તે તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ છે કે તેની પાસે કેટલું વિદેશી હૂંડિયામણ અનામત છે. જ્યારે આરબીઆઈની તિજોરીમાં ડોલર ભર્યુ હોય છે, ત્યારે ચલણને મજબૂતી મળે છે.

ભારત મોટાપાયે આયાત કરે છે. જ્યારે પણ આપણે વિદેશીઓ પાસેથી કોઈ પણ સામાન ખરીદીએ છીએ, ત્યારે વ્યવહારો ડોલરમાં થાય છે. આવી સ્થિતિમાં આયાતમાં મદદ કરવા માટે વિદેશી હૂંડિયામણ અનામત હોવું જરૂરી છે. જો વિદેશથી આવતા રોકાણમાં અચાનક ઘટાડો થાય છે તો તે સમયે તેનું મહત્વ વધારે વધી જાય છે.

(12:00 am IST)