Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ઘરેલુ હિંસા માટે મહિલાઓ ખુદ રાજી !

તેલંગણા-આંધ્રની ૮૦ ટકા મહિલાઓએ પતિ ધોલાઈ કરે તો તેને વ્યાજબી ઠેરવ્યું

નેશનલ ફેમીલી હેલ્થનો ચોંકાવનારો સર્વેઃ કર્ણાટકના ૮૧.૯ ટકા પુરૂષોએ આ બાબત સાથે સહમતી દર્શાવી

નવી દિલ્હી, તા. ૨૭ :. મહિલાઓને સશકત કરવાની એક તરફ તેમના અધિકારોની વાત થઈ રહી છે, ઘરેલુ હિંસા પર કાયદાઓને વધુ કઠોર કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ નેશનલ ફેમીલી હેલ્થ સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ સર્વે હેઠળ તેલંગણા જેવા રાજ્યમાં ૮૩.૮ ટકા મહિલાઓએ ખુદ સ્વીકાર્યુ કે પતિ ધોલાઈ કરે તે વ્યાજબી છે. આ સિવાય કર્ણાટકના ૮૧.૯ ટકા પુરૂષો પણ આવુ જ જણાવી રહ્યા છે.

આ સર્વેમાં જમ્મુ-કાશ્મીર સહિત ૧૮ રાજ્યોની મહિલાઓ અને પુરૂષોની ઘરેલુ હિંસા પર મત લેવામાં આવ્યો હતો. આ રાજ્યોમાં આસામ, આંધ્ર, બિહાર, ગોવા, ગુજરાત વગેરેનો સમાવેશ થાય છે.

સર્વેમાં મહિલાઓ તથા પુરૂષોને સામેલ કરવામાં આવ્યા હતા. બધાને એક સામાન્ય પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમારા મતે શું પતિ પોતાની પત્નિને માર મારે તે વ્યાજબી છે ? જેમાં એવુ પૂછાયુ હતુ કે તે કારણ વગર ઘરની બહાર જાય, ઘર કે બાળકોની ઉપેક્ષા કરે, દલીલબાજી કરે, યૌન સંબંધનો ઈન્કાર કરે, ભોજન બરોબર ન કરે, કોઈ સાથે લફરામાં હોય કે પછી સાસરા પક્ષ સાથે ઝઘડો કરતી હોય.

આ સર્વેમાં તેલંગણાની ૮૩.૮ ટકા મહિલાઓએ માન્યુ કે પતિ દ્વારા તેમની પીટાઈ થાય તો તે યોગ્ય છે, તો હિમાચલ પ્રદેશમાં આ સવાલ પર મહિલાઓની સહમતી સૌથી ઓછી હતી, ત્યાં માત્ર ૧૪.૮ ટકા મહિલાઓએ ઘરેલુ હિંસાને વ્યાજબી ઠેરવી હતી. આ સિવાય સૌથી વધુ કર્ણાટકના પુરૂષો (૮૧.૯ ટકા)એ તેને યોગ્ય ગણ્યુ હતું, તો હિમાચલના માત્ર ૧૪.૨ ટકા પુરૂષોએ ઘરેલુ હિંસાને યોગ્ય ગણાવી હતી.

૨૦૧૮માં પણ આ પ્રકારનો સર્વે થયો હતો, ત્યારે ૫૨ ટકા મહિલાઓએ સ્વીકાર્યુ હતુ કે પતિ માટે પત્નિને માર મારવો એ યોગ્ય છે. (૨-૪)

યુપીમાં ૮૭ ટકા મહિલાઓ ઘરના નિર્ણયો લેતી હોય છે

લખનૌ :. યુપીમાં ૮૭ ટકા મહિલાઓ ઘરની બોસ હોય છે. નેશનલ ફેમીલી હેલ્થ સર્વે અનુસાર ૮૭.૬ ટકા મહિલાઓ ઘરના નિર્ણયો લ્યે છે જ્યારે ૧૨.૪ ટકા પુરૂષો જ ઘરના બોસ હોય છે. ૫૧.૯ ટકા મહિલાઓના નામે સંયુકત રીતે જમીન અને મકાન છે. શહેરમાં ૪૬.૮ અને ગામડાઓમાં ૫૩.૯ ટકા મહિલાઓના નામ પર જમીન અને ઘર છે. સર્વે અનુસાર ૧૮ થી ૪૯ વર્ષના વર્ગમાં પત્નિ સાથે હિંસામાં ઘટાડો નોંધાયો છે.

(10:03 am IST)