Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

દેશભરના રેસિડેન્ટ ડોક્ટરો આંદોલનના માર્ગેઃ આજે કાળી રિબીન બાંધીઃ સોમવારે ઓપીડી બંધ

પીજી મેડિકલ પ્રવેશ સ્થગિત થતાં કામનું ભારણ વધી ગયું હોવાથી રોષ : રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજ-સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ પણ જોડાયાઃ ડીન-તબિબી અધિક્ષકને જાણ કરી

રાજકોટ તા. ૨૭: પીજી મેડિકલ નીટ-કાઉંન્સેલિંગમાં અનામત મુદ્દે સુપ્રીમકોર્ટમાં ચાલતા કેસમાં કેન્દ્ર સરકારે ઈડબલ્યુએસ અનામત માટે આવકમર્યાદાની સમીક્ષા કરવાનું જણાવી કમિટી રચવાનું કહી પીજી મેડિકલ કાઉંન્સેલિંગ પ્રક્રિયા એક મહિના  માટે સ્થગિત કરી દેતાં મેડિકલ કોલેજોમાં  પીજીનો અભ્યાસ કરતા અને હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા સેકન્ડર યર અને થર્ડ યર રેસિડેન્ટ ડોક્ટરો પર કામનું ભારણ વધી જવાને કારણે આજથી ગુજરાત સહિત દેશભરના રેસિડેન્ટ ડોક્ટરો-જુનિયર ડોક્ટરો આંદોલન પર ઉંતરી ગયા છે. આ આંદોલનમાં રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજ-સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટર્સ પણ જોડાયા છે. આજે બધાએ કાળી રીબીન પહેરી આંદોલનનો આરંભ કર્યો છે. સોમવારે ૨૯મીએ રેસિડેન્ટ ડોક્ટરો હડતાલપાડી ઓપીડી સેવાથી દૂર રહેશે તેમ જણાવાયું છે.
જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા નીટ-પીજી કાઉંન્સેલિંગ સ્થગિત કરાતા આંદોલનની જાહેરાત કરવામા આવી છે.બી.જે.મેડિકલ ખાતેના જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા નેશનલ લેવલના જુનિયર-રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશનો સાથે ચર્ચા કર્યા બાદ હડતાળ પાડવાનું પણ નક્કી કરવામા આવ્યુ છે. આજે સવારે ૧૦ વાગે તમામ રેસિડેન્ટ ડોક્ટરો બી.જે.મેડિકલ કોલેજ ખાતે એકઠા થયા પછી પીજી ડાયરેકટરને આવેદનપત્ર આપશે તેમજ આજે કાળી રિબીન પહેરીને ફરજ બજાવશે. તેવું નક્કી કરાયું હતું. ઉંપરાંત સાંજે હોસ્પિટલ કેમ્પસમાં તમામ રેસિડેન્ટ ડોક્ટરો સાથે મળીને કેન્ડલ માર્ચ યોજશે.જ્યારે ૨૯મીએ સોમવારે તમામ રેસિડેન્ટ ડોક્ટરો ઓપીડી સેવાથી અને સવારે ૯થી૫ની રૂટિન સેવામંથી પણ અળગા રહેશે.
બીજી બાજુ ફેડરશેન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશનના ડોક્ટર્સ એસો.દ્વારા ૨૯મી અને ૩૦મીએ ટોકન સ્ટ્રાઈક કરવામા આવશે અને ૧લી ડિસેમ્બરે રાષ્ટ્રીય સ્તરે ઓપીડી સર્વિસ બંધ કરવામા આવશે તેમજ અચોક્કસ મુદતની હડતાળ જાહેર કરવામા આવશે. ઉંપરાંત રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા જિલ્લા કલેકટરોને મેમોરન્ડ પણ અપાશે.અગાઉં જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા વડાપ્રધાનને પીજી મેડિકલ કાઉંન્સેલિંગ મુદ્દે કોર્ટ કેસમાં તાકીદે નિકાલ લાવવા તાકીદે કાઉંન્સેલિંગ પ્રક્રિયા શરૂ કરવા અપીલ પણ કરાઈ હતી. જ્યારે હવે જાન્યુઆરી સુધી કાઉંન્સેલિંગ પ્રક્રિયા સ્થગિત થઈ જતા રેસિડેન્ટ ડોક્ટરોમાં ભારે રોષ ફેલાયો છે અને રેસિડેડન્ટ ડોક્ટરોની ફરિયાદ છે કે દોઢ વર્ષથી પીજી મેડિકલની પ્રથમ વર્ષની બેચ આવી જ નથી. જેથી ફર્સ્ટ યર રેસિડેન્ટ મળ્યા જ નથી, બીજા વર્ષના રેસિડેન્ટ અને ત્રીજા વર્ષના રેસિડેન્ટ કોરોનામાં દોઢ વર્ષથી સતત ફરજ બજાવી રહ્યા છે. આ ઉંપરાંત થોડા મહિના ત્રીજા વર્ષના રેસિડેન્ટની ફાઈનલ પરીક્ષા હોવાથી તેઓ તૈયારીમાં પણ લાગશે. હાલ દેશની મેડિકલ કોલેજોના ૮૫ હજાર રેસિડેન્ટ ડોક્ટરો પર ખૂબ જ ભારણ વધ્યુ છે. વધુ એક મહિના માટે કાઉંન્સેલિંગ સ્થગિત કરાતા રેસિેડન્ટ ડોક્ટરો કફોડી હાતલમાં મુકાશે.
રાજકોટના પીડીયુ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલના જુનીયર ડોક્ટર એસોસિએશને પણ આ આંદોલનમાં સામેલ થઇ ડીન તથા તબિબી અધિક્ષકને તેની જાણ કરી દીધાનું જણાવાયું છે.

 

(11:54 am IST)