Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

સહાધ્યાયીએ પેન્સિલ ચોરતા બાળક પોલીસ સ્ટેશન પહોંચ્યો

નાના બાળકોની તકરાર પોલીસ સ્ટેશનમાં પહોંચી : બાળક કહે છે કે, મારી પેન્સિલ મારી જોડે બેસનારા વિદ્યાર્થીએ ચોરી લીધી છે અને મારે તેની સામે કેસ કરવો છે

અમરાવતી, તા.૨૭ : સ્કૂલોમાં ભણતા અને ખાસ કરીને પ્રાઈમરીમાં ભણતા નાના બાળકો વચ્ચે તકરારો થતી રહેતી હોય છે.

જોકે આંધ્રપ્રદેશની એક પ્રાથમિક સ્કૂલમાં સહાધ્યાયીએ પેન્સિલ ચોરી લેવાનો મામલો છેક પોલીસ મથકે પહોંચ્યો હતો.આ મામલાનો વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેની મજા લઈ રહ્યા છે.વિડિયોમાં જોઈ શકાય છે કે, ચાર થી પાંચ નાના બાળકો પોલીસ મથકે પહોંચે છે.

આમાંથી એક બાળક પોલીસ અધિકારીને કહે છે કે, મારી પેન્સિલ મારી જોડે બેસનારા વિદ્યાર્થીએ ચોરી લીધી છે અને મારે તેની સામે કેસ કરવો છે.પોલીસ અધિકારી શાંતિથી તેની વાત સાંભળે છે અને એ પછી પોલીસ અધિકારી ફરિયાદ કરવા માંગતા બાળક અને જેના પર આરોપ મુકાયો છે તે બાળક વચ્ચે સમાધાન કરવાની કોશિશ પણ કરે છે.

પોલીસ ફરિયાદ કરવા આવેલા ભૂલકાને આશ્વાસન આપે છે કે, હવે તારી પેન્સિલ ફરી નહીં ચોરાય.આવુ સાંભળીને બાકીના બાળકો હસવા માંડે છે.

દરમિયાન આંધ્ર પ્રદેશ પોલીસે પણ આ વિડિયો શેર કરીને કહ્યુ છે કે, પ્રાથમિક સ્કૂલના બાળકો પણ આંધ્ર પ્રદેશ પોલીસ પર વિશ્વાસ કરે છે.

(9:16 pm IST)