Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

આજે પીએમ મોદીએ વડોદરા ખાતે જુના મિત્રો સાથે મુલાકાત કરી:

અમે આર.એસ.એસ.માં નાનપણમાં સાથે કામ કર્યું છે, આજે મોદીજીએ અમે નિષ્ક્રિય હોવા છતાં બોલાવ્યા તે જ તેમની મહાનતા છે: જૂના સાથીઓએ આપી પ્રતિક્રિયા

વડોદરા: પ્રધાનમંત્રી મોદી હાલમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત પ્રવાસે છે.  પીએમ મોદી ગુજરાતમાં એક બાદ એક સભા ગજવી રહ્યા છે. આ સાથે અનેક લોકો સાથે મુલાકાત પણ કરી રહ્યા છે. તો આજે પીએમ મોદીએ વડોદરા ખાતે જુના મિત્રો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પીએમ મોદીના જૂના સાથી રામ મનોહર તિવારીએ જણાવ્યું કે, અમે આર.એસ.એસ.માં નાનપણમાં સાથે કામ કર્યું છે. આજે મોદીજીએ અમે નિષ્ક્રિય હોવા છતાં બોલાવ્યા તે જ તેમની મહાનતા છે.
તો બીજા એક સાથી નારાયણ શાહે કહ્યું કે, મોદીજીએ અમને એકદમ મળવા બોલાવ્યા હતા. અમારે રાજકારણની કોઇ વાત તેમની સાથે નથી થઈ. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન દિનેશ ચોકસીએ કહ્યું કે, મોદીજીએ કોઈ ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરી નથી. તેમનામાં આજે પણ તેજ દેખાઈ રહ્યું છે. આજે 12 વર્ષે મોદીજીને મળતા હું ભાવુક થયો છું. મોદીજીએ અમારી સાથે ભાવુકતા પૂર્વક વાતો કરી હતી.
ભરૂચના નેત્રંગમાં પીએમ મોદીએ જનસભામાં સંબોધી હતી. ગુજરાત ભાજપની ટીમને સંકલ્પપત્ર જાહેર કરવા બદલ પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાત વિકસિત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સંકલ્પપત્રને આધારે ભાજપને હવે પહેલા કરતા વધુ સીટ મળશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, પહેલા 3 ધોરણ ભણીને દીકરીઓ અભ્યાસ છોડી દેતી હતી આજે આદિવાસી દીકરીઓ ભણીગણીને દેશનું નામ રોશન કરી રહી છે.
નેત્રંગ સભામાં પીએમ મોદીએ બે બાળકોનો ઉલ્લેખ કર્યો હતો. ગરીબ બાળકોની દયનિય પરિસ્થિતિનો વાઇરલ વિડીયો જોયા બાદ મુલાકાત માટે નેત્રંગ બોલાવ્યા હતા. મોદીએ બાળકોને સભા સ્થળ પાછળ સમય આપ્યો હતો. બાળકોને આવાસ અને ઉજ્જવળ ભાવિ માટે તમામ મદદની ખાતરી આપી હતી. આ બાળકોના માતા પિતા 6 વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા હતા. બાળકો મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. એક બાળકનું નામ અવી છે અને તેને કલેકટર અને બીજા બાળકનું નામ જય છે અને તેને ઈજનેર બનવું છે.

(5:36 pm IST)