Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

રાજ્યપાલના આમંત્રણ વગર જ બની ગઈ શિંદે-ફડણવીસ સરકાર ? : RTI ના ખુલાસા બાદ NCP નેતા મહેશ તપાસેએ ઉઠાવ્યો સવાલ

તાપસેએ કહ્યું કે જ્યારે કોઈ નેતા રાજ્યપાલને પોતાની તરફેણમાં બહુમતી હોવાનો પત્ર આપે છે, ત્યારે રાજ્યપાલ તેમને ગૃહમાં બહુમત સાબિત કરવા માટે લેખિત પત્ર આપે છે. પરંતુ મહારાષ્ટ્રના રાજભવનમાં આવા કોઈ પત્રનો કોઈ રેકોર્ડ નથી

મુંબઈ : આરટીઆઈ કાર્યકર્તા સંતોષ જાધવે મહારાષ્ટ્ર રાજભવન પાસેથી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસને સરકાર બનાવવા માટે આમંત્રણ આપતા પત્રની તારીખ અને તેના જાવક નંબરની જાણકારી માંગી હતી. તેના જવાબમાં રાજ્યપાલ સચિવાલય તરફથી માહિતી મળી હતી કે આવા કોઈ પત્રનો કોઈ રેકોર્ડ નથી. એટલા માટે આ વિશે કોઈ માહિતી આપી શકાતી નથી.

  આરટીઆઈના ખુલાસા બાદ એનસીપીના પ્રવક્તા મહેશ તાપસેએ સવાલ ઉઠાવ્યો છે કે શું રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના આમંત્રણ વિના શિંદે-ફડણવીસ સરકારની રચના થઈ છે? તાપસેએ કહ્યું કે જ્યારે કોઈ નેતા રાજ્યપાલને પોતાની તરફેણમાં બહુમતી હોવાનો પત્ર આપે છે, ત્યારે રાજ્યપાલ તેમને ગૃહમાં બહુમત સાબિત કરવા માટે લેખિત પત્ર આપે છે. પરંતુ મહારાષ્ટ્રના રાજભવનમાં આવા કોઈ પત્રનો કોઈ રેકોર્ડ ન હોવાને કારણે એ સવાલ ઉઠે તે સ્વાભાવિક છે કે રાજ્યપાલનું આમંત્રણ ન હોવા છતાં સરકાર કેવી રીતે અને કોના આદેશથી બની?

  મુખ્યમંત્રીએ કેવી રીતે લીધા શપથ? શું આ રીતે અસ્તિત્વમાં આવેલી સરકારનો કોઈ બંધારણીય દરજ્જો છે? તાપસેએ કહ્યું કે અન્ય કોઈને બદલે રાજ્યપાલે પોતે જ આ મામલે સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. તાપસેએ કહ્યું કે આરટીઆઈ દ્વારા આ માહિતી સામે આવ્યા બાદ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પોતે તેમના પદ પરથી મુક્ત થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. શું આ બે વસ્તુઓ વચ્ચે કોઈ સંબંધ છે? 

 આ RTIના બહાને મહાવિકાસ અઘાડીના ત્રણેય ઘટક શિંદે સરકાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ પર પ્રહારો કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે રાજ્યપાલે આ મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. જો કે બીજી તરફ રાજ્યપાલે હવે મહારાષ્ટ્ર છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એક રીતે તેમણે પીએમ મોદી સામે રાજકીય નિવૃત્તિનો મામલો મૂક્યો છે.

  જ્યારથી મહારાષ્ટ્રમાં શિંદે ફડણવીસ સરકાર સત્તામાં આવી છે. ત્યારથી મહાવિકાસ આઘાડીના નેતાઓ આ સરકારને ગેરબંધારણીય અને અનૈતિક ગણાવી રહ્યા છે. હવે આ RTIના જવાબે તેમના દાવાઓને વધુ બળ આપ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં આગામી દિવસોમાં આ મુદ્દે ઉગ્ર ઘમાસાણ થશે. ઉદ્ધવ જૂથના નેતાઓ કોર્ટ અને ચૂંટણી પંચ સમક્ષ પણ આ મુદ્દો ઉઠાવી શકે છે.

(10:05 pm IST)