Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ચોરે મીઠાઇની દુકાનની દિવાલ તોડી મીઠાઇ ઉઠાવી હતીઃ આ પછી તે દુકાનમાં રાખેલી પૈસા ભરેલી તિજોરી લઈને ચાલ્‍યો ગયો હતો

‘મેં ગઈ કાલથી ખાવાનું ખાધું નથી, મને ભૂખ લાગી છે': ચોરે ચિઠ્ઠી લખી દુકાનમાંથી મીઠાઈ ખાધી

જેસલમેર, તા.૨૮: રાજસ્‍થાનના જેસલમેરમાં ચોરીનો અનોખો કિસ્‍સો સામે આવ્‍યો છે. મીઠાઈની દુકાનમાં પ્રવેશીને ચોરે પહેલા મીઠાઈ ખાધી. આ પછી, પૈસા ભરેલું બંડલ ઉપાડીને તે ચાલ્‍યો ગયો. ચોર દુકાનદારને બે પાનાનો પત્ર પણ છોડી ગયો. આમાં ચોરે પોતાને ‘ગેસ્‍ટ' ગણાવ્‍યો છે. બીજા દિવસે દુકાનદારે પત્ર લઈને પોલીસને જાણ કરી.

આ મામલો ભનિયાણા સબડિવિઝન હેડક્‍વાર્ટરના માર્કેટનો છે. અહીંની એક મીઠાઈની દુકાનમાં બુધવારે રાત્રે એક ચોર દિવાલ તોડી અંદર ઘૂસ્‍યો હતો.ત્‍યારબાદ તેણે દુકાનમાં રાખેલી મીઠાઈ ઉઠાવી લીધી હતી અને પછી ફરાર થઈ ગયો હતો. પરંતુ, આ પહેલા ચોર દુકાનદારને એક પત્ર પણ છોડી ગયો હતો.

પત્રમાં ચોરે લખ્‍યું- હેલો સર, હું એક સારા દિલનો વ્‍યક્‍તિ છું. હું તમારી દુકાનમાં ચોરી કરવા નહિ, પણ મારી ઈચ્‍છા પૂરી કરવા આવ્‍યો છું, ગઈ કાલથી મેં કંઈ ખાધું નથી, મને ભૂખ લાગી છે. હું તમારી દુકાને પૈસા લેવા નથી આવ્‍યો, પણ મારી ભૂખ મિટાવવા આવ્‍યો છું. હું જાણું છું કે તમે ગરીબ છો, તેથી હું તમને દિલાસો આપવા માટે આ અરજી લખી રહ્યો છું.

હું તમારા પૈસાની પિગી બેંક લઈ રહ્યો છું મેં તમારી દુકાનમાં વધુ ખાધું નથી. સફેદ મીઠાઈના બે ટુકડા અને આગ્રા પેઠાના બે ટુકડા જ ખાધા છે. હું તમારી દુકાનમાં સફરજન શોધી શકયો નથી. હું એક છેલ્લી વાત કહેવા માંગુ છું કે તમે પોલીસને બોલાવશો નહીં. તમારા ‘ગેસ્‍ટ'.

બીજા દિવસે સવારે જ્‍યારે દુકાનદાર ગોમારામ છીપા મીઠાઈની દુકાનમાં પ્રવેશ્‍યા ત્‍યારે પાછળની દિવાલ પરની ઈંટો તૂટેલી હતી. ત્‍યાંથી બે પાનાનો પત્ર મળી આવ્‍યો હતો. આ પછી તેણે આ અંગે પોલીસને જાણ કરી હતી.દુકાનમાં ચોરીની માહિતી મળતાં જ ભનિયાણા પોલીસ સ્‍ટેશનના અધિકારી અશોક કુમાર ઘટનાસ્‍થળે પહોંચ્‍યા હતા. તપાસ બાદ હવે પોલીસ ચોરને શોધી રહી છે.

કેસમાં સ્‍ટેશન ઈન્‍ચાર્જ અશોક બેનીવાલે જણાવ્‍યું કે દુકાન માલિકે કોઈ કેસ નોંધ્‍યો નથી. પરંતુ, હજુ પણ અમે તે ચોરને શોધી રહ્યા છીએ. અત્‍યાર સુધી તે ફરાર છે, અમે તેના વિશે માહિતી એકઠી કરી રહ્યા છીએ.

વાસ્‍તવમાં, ચોર ભૂખ્‍યો હતો અને સફરજન ખાવા માટે મીઠાઈની દુકાન પાસે શાકભાજીની દુકાનમાં ઘુસ્‍યો હતો. પરંતુ, ત્‍યાં સફરજન ન મળતાં તે બાજુમાંથી મીઠાઈની દુકાનમાં ઘૂસી ગયો.

(10:52 am IST)