Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તી પણ રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસી નેતાઓ સાથે સામેલ થયા: કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ અંતિમ તબક્કામાં:

કલમ 370ને હટાવવામાં આવ્યા બાદ અહી વિધાનસભા ચૂંટણી યોજાઇ નથી. આ પહેલા રાહુલ ગાંધી સાથે અબ્દુલ્લા અને મુફ્તી ભાજપની ચિંતા વધારી શકે

શ્રીનગર: કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ અંતિમ તબક્કામાં છે. કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા કાશ્મીરમાં પૂર્ણ થશે. શનિવારે જ્યારે અવંતીપોરાથી આ યાત્રા ફરી શરૂ થઇ તો પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તી પણ રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસી નેતાઓ સાથે સામેલ થયા હતા. એક દિવસ પહેલા નેશનલ કૉન્ફ્રેસના નેતા ઉમર અબ્દુલ્લા પણ સામેલ થયા હતા. મહત્વપૂર્ણ છે કે કલમ 370ને હટાવવામાં આવ્યા બાદ અહી વિધાનસભા ચૂંટણી યોજાઇ નથી. આ પહેલા રાહુલ ગાંધી સાથે અબ્દુલ્લા અને મુફ્તી ભાજપની ચિંતા વધારી શકે છે.

રાહુલ ગાંધીને કાશ્મીર ઘાટીમાં પ્રવેશ કર્યા બાદ શુક્રવારે પોતાની પદયાત્રા રદ કરવી પડી હતી, કારણ કે પાર્ટીએ સુરક્ષામાં ચૂકનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશ તંત્ર દ્વારા પોલીસ વ્યવસ્થાને પુરી રીતે નબળી કરી દેવામાં આવી હતી.

જમ્મુના બનિહાલથી પોતાની યાત્રા શરૂ કરનારા રાહુલ ગાંધીએ બુલેટપ્રૂફ વાહનમાં કાજીગુંડમાં જવાહર સુરંગને પાર કરીને ઘાટીમાં પ્રવેશ કર્યો હતો. અહી તેમનું જોરદાર સ્વાગત થયુ હતુ. સુરક્ષાદળોએ હજારો પાર્ટી સમર્થકોની ભીડને નિયંત્રિત કરવામાં મુશ્કેલી પડી હતી. તે બાદ યાત્રાને રદ કરવામાં આવી હતી.

જમ્મુ કાશ્મીર પોલીસે કોંગ્રેસના આરોપને ફગાવી દીધા હતા અને કહ્યુ કે ભારત જોડો યાત્રામાં કોઇ સુરક્ષા ચૂક થઇ નથી, તેમણે આરોપ લગાવ્યો કે આયોજકોએ બનિહાલથી રેલીમાં સામેલ થનારી એક મોટી ભીડ અંગે પોલીસને જાણ કરી નહતી. કોંગ્રેસે એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં પોલીસ કર્મીઓને ઘટનાસ્થળેથી હટતા બતાવવામાં આવ્યા છે.

હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શ્રીનગરમાં 30 જાન્યુઆરીએ રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો યાત્રાના સમાપ્તિના દિવસે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને પુરતી સુરક્ષાની માંગ કરી છે. ખડગેએ પોતાના પત્રમાં કહ્યુ કે પાર્ટીએ પુરી સુરક્ષા સુનિશ્ચિત કરવા જમ્મુ કાશ્મીર પોલીસના નિવેદનનું સ્વાગત કર્યુ હતુ અને કહ્યુ કે જે દિવસે શ્રીનગરમાં યાત્રા સમાપ્ત થશે તે દિવસે ભારે ભીડ ભેગી થવાની આશા છે.

(5:43 pm IST)