Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

પાકિસ્તાનના વિકાસ અને સમૃધ્ધિ માટે અલ્લાહ જવાબદારઃ ઈશાક ડાર

કંગાળ થવા છતાં પાકિસ્તાનના મંત્રીઓની બેફામ નિવેદનબાજી : પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના વરિષ્ઠ નેતાએ કહ્યુ કે તેમને પૂર્ણ વિશ્વાસ છે કે પાકિસ્તાન પ્રગતિ કરશે કેમ કે આ ઈસ્લામના નામે બન્યો છે

ઈસ્લામાબાદ, તા.૨૮ : પાકિસ્તાન કંગાળ થઈ રહેહ્યુ હોવા છતાં તેના મંત્રી હજુ પણ નિવેદનબાજી કરતા રોકાઈ રહ્યા નથી. તાજેતરમાં જ નાણા મંત્રી ઈશાક ડારે દેશના લોકોની નારાજગીને ઓછી કરવા માટે ધાર્મિક કાર્ડ રમવાનું શરૃ કરી દીધુ છે. નાણા મંત્રી ઈશાક ડારે શુક્રવારે કહ્યુ કે પાકિસ્તાન ઈસ્લામના નામે સ્થાપિત એકમાત્ર દેશ છે અને તેના વિકાસ અને સમૃદ્ધિ માટે અલ્લાહ જવાબદાર છે.

ગ્રીન લાઈન એક્સપ્રેસ ટ્રેન સેવાના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરતા પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના વરિષ્ઠ નેતાએ કહ્યુ કે તેમને પૂર્ણ વિશ્વાસ છે કે પાકિસ્તાન પ્રગતિ કરશે કેમ કે આ ઈસ્લામના નામે બન્યો છે. ઈશાક ડારે કહ્યુ કે જો અલ્લાહ પાકિસ્તાન બનાવી શકે છે તો તે તેની રક્ષા, વિકાસ અને સમૃદ્ધિ પણ કરી શકે છે. નાણા મંત્રીએ કહ્યુ કે તેઓ વડાપ્રધાન શહબાઝ શરીફના નેતૃત્વમાં પાકિસ્તાનની સ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઈશાક ડારે પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ માટે ગત સરકાર જવાબદારને ગણાવી છે.

ઈશાક ડારે કહ્યુ કે નવાઝ શરીફના શાસનમાં પાકિસ્તાન પ્રગતિની માર્ગે હતુ પરંતુ તેને પાટા પરથી હટાવી દેવાયુ. લોકો જોઈ શકે છે કે છેલ્લા પાંચ વર્ષમાં દેશને કેટલી બરબાદીનો સામનો કરવો પડ્યો છે. વિદેશી મુદ્રાના અભાવમાં પાકિસ્તાનની સામે જરૃરી વસ્તુઓની ખરીદી માટે પણ ચૂકવણી કરવા લાયક મુદ્રા રહી નથી.

(7:40 pm IST)