Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

હોકી મેન્સ વર્લ્ડ કપ 2023 : ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 5-2થી હરાવ્યું : શાનદાર જીત નોંધાવીને ટુર્નામેંટમાં 9મું સ્થાન નિશ્ચિત કર્યું

આ મેચ માટે અભિષેકને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો

રાઉરકેલા : હોકી વર્લ્ડ કપ 2023માં, ભારતે રાઉરકેલામાં રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં 5-2થી જીત મેળવી હતી. ભારતે આ જીત સાથે 9મું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ટીમ માટે સુખજીત સિંહ, આકાશદીપ સિંહ, શમશેર સિંહ અને અભિષેકે એક-એક ફિલ્ડ ગોલ કર્યા હતા. જ્યારે હરમનપ્રીત સિંહને પેનલ્ટી કોર્નર મળ્યો હતો. આ મેચ માટે અભિષેકને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

ટીમ ઈન્ડિયાએ આ મેચના પહેલા ક્વાર્ટરથી જ દબાણ બનાવવાનું શરૂ કરી દીધું હતું. ભારત માટે અભિષેકે ચોથી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. આ પછી હરમનપ્રીત સિંહે 11મી મિનિટે પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યો હતો. આ રીતે ભારતે પ્રથમ ક્વાર્ટરના અંત સુધી લીડ જાળવી રાખી હતી. આ પછી બીજા ક્વાર્ટરમાં એક પણ ગોલ થયો ન હતો. જો કે આ દરમિયાન બંને ટીમોએ ગોલ માટે પ્રયાસ ચાલુ રાખ્યા હતા.

ટીમ ઈન્ડિયા માટે ત્રીજા ક્વાર્ટરમાં શમશેર સિંહે ગોલ કર્યો હતો. ચોથા ક્વાર્ટરમાં ભારત તરફથી આકાશદીપ અને સુખજીત સિંહે એક-એક ફિલ્ડ ગોલ કર્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયાએ કુલ પાંચ ગોલ કર્યા. તે જ સમયે, દક્ષિણ આફ્રિકા તરફથી પહેલો ગોલ 48મી મિનિટે અને બીજો ગોલ 59મી મિનિટે થયો હતો. જોકે આફ્રિકન ટીમ જીતી શકી ન હતી. ભારતે તેને 5-2થી હરાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ જીત સાથે ટોપ 10માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારતે અગાઉ જાપાનને ખરાબ રીતે કચડી નાખ્યું હતું. ભારતે 8-0થી જીત મેળવી હતી.

(9:58 pm IST)