Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

વધુ વજન ધરાવતા કોરોનાના દર્દીઓને સાજા થવામાં નડી રહી છે સમસ્‍યા

મેદસ્‍વી લોકોમાં કોરોનાનો ખતરો વધુ રહેલો છે : મેદસ્‍વીપણુ શરીરના અન્‍ય રોગ સાથે જોડાયેલુ છે : આઈસીયુમાં દાખલ એવા કોરોનાના ૪૦% દર્દીઓ મેદસ્‍વી છે : કોરોનાના જે દર્દી ડાયાબિટીસ, હાયપરટેન્‍શન અથવા અન્‍ય બીમારીથી પીડિત છે તેઓમાં ગંભીર ખતરાનું પ્રમાણ વધુ રહેલું છે

હૈદ્રાબાદ,તા. ૨૮: હૈદરાબાદની વિવિધ હોસ્‍પિટલના આઈસીયુમાં દાખલ એવા કોરોનાના દર્દીઓ પૈકી ૪૦% મેદસ્‍વી એટલે કે વધારે વજન ધરાવતા હોવાનું જાણવા મળ્‍યું છે. આ પ્રકારના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્‍ટર્સે જણાવ્‍યું કે મેદસ્‍વી લોકોમાં કોરોનાનો ખતરો વધુ રહેલો છે અને જેની અસર તેના મૃત્‍યુઆંકમાં પણ જોવા મળે છે.

ત્‍યાંની એક હોસ્‍પિટલના ડોક્‍ટરના જણાવ્‍યા મુજબ, આઈસીયુમાં દાખલ એવા કોરોનાના ૪૦% દર્દીઓ મેદસ્‍વી છે અથવા તો મેદસ્‍વી હોવાની સાથે-સાથે અન્‍ય રોગથી પણ પીડિત છે. એક ડેટા મુજબ જે મહિલાઓના કોરોનાના કારણે મોત થયા છે તેમાં ૫૦% મહિલાઓ વધુ વજન ધરાવતી હતી. આ સિવાય કોરોનાના જે દર્દી ડાયાબિટીસ, હાયપરટેન્‍શન અથવા અન્‍ય બીમારીથી પીડિત છે તેઓમાં ગંભીર ખતરાનું પ્રમાણ વધુ રહેલું છે. જયારે વધુ વજન ધરાવતા લોકોમાં તો કોરોનાની ગંભીર બીમારીનો ખતરો રહેલો જ છે.

એક ડોક્‍ટરે આ વિશે વાત કરતા જણાવ્‍યું કે મેદસ્‍વીપણુ શરીરના અન્‍ય રોગ સાથે જોડાયેલુ છે અને તેના કારણે કોરોનાથી શરીરમાં વધારે નુકસાન થાય છે. આ સિવાય વધુ વજન ધરાવતા દર્દીઓના શરીરમાં કેટલીક દવાઓ યોગ્‍યરીતે અસર કરતી નથી અને તે દર્દીઓના શરીર મુજબના દવાના ડોઝ આપવામાં આવે છે. વધુ વજન ધરાવતા કોરોનાના દર્દીઓમાં રીકવરી થોડી મુશ્‍કેલ છે કારણકે તેમના ફેફ્‌સાંની ક્ષમતા ઘટી ગઈ હોય છે.

(10:22 am IST)