Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ઓકસીમીટર - નેબુલાઇઝર - સ્ટ્રીમરના ભાવ આસમાને

કોવિડ સંબંધી સ્વાસ્થ્ય ઉપકરણોના ભાવ ૧ મહિનામાં જ ત્રણ ગણા વધી ગયા

નવી દિલ્હી તા. ૨૮ : ગુજરાત રાજયમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. એક બાજુ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઇ છે. રાજયમાં હોસ્પિટલોમાં બેડની અછત સર્જાતા કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા છે. તેની સાથે કેટલીક સર્જિકલ વસ્તુઓની પણ માગમાં એકાએક ઊછાળો આવ્યો છે. કોરોનાની દહેશતે તમામ સર્જિકલ વસ્તુઓ કોરોનાના દર્દી સિવાય સામાન્ય લોકો પણ ખરીદી રહ્યા છે, જેમાં ઓકિસફલોમીટર, નેબ્યુલાઇઝર, થર્મોમીટર, વેપોરાઇઝર, ઓકિસમીટર વગેરેનો સમાવેશ થાય છે. મોટી સંખ્યામાં લોકો ખરીદતા હોવાથી આ સાધનોની પણ અછત ઊભી થઇ છે. હવે વિક્રેતાઓ ભાવ પણ વધારી રહ્યા છે. એક મહિનામાં ત્રણ ગણા ભાવ વધી ગયા છે.

હાલમાં હોસ્પિટલો ભરાઇ ગઇ હોવાથી મોટા ભાગના લોકો ઘરે જ આઇસોલેટ થયા છે તેથી ઓકિસજન સિલિન્ડરની પણ વ્યવસ્થા લોકો પોતાના ઘરે જ કરી રહ્યા છે. પરંતુ આના કારણે સિલિન્ડરની ઉપર લગાવવામાં આવતું ઓકિસફલોમિટર હાલ બજારમાં કયાંય જોવા મળતું નથી.

સર્જીકલ ચીજોનું વેચાણ કરતા એક વેપારીએ નામ નહી આપવાની શરતે જણાવ્યું હતુ કે ઓકિસફલોમિટરની માગ એટલી વધી ગઈ છે છેલ્લા ઘણા દિવસોથી માર્કેટમાં અમે પણ ઓકિસફલોમિટર જોયું નથી, આગળથી પૂરતો માલ આવતો નથી. રોજની ૪૦૦ - ૫૦૦થી વધુ ઓકિસફલોમિટર માટેની પૂછપરછો આવે છે. પરંતુ આવશ્યક હોવાથી અને બીજે ઉપલબ્ધ નહી હોવાથી લોકો બ્લેકમાં ખરીદે છે જેની એમઆરપી રૂ. ૧૭૫૦-૧૮૦૦નું છે, તે હાલમાં બ્લેકમાં રૂ. ૫૦૦૦માં મળે છે.

શરીરમાં ઓકિસજનનું પ્રમાણ માપવા વપરાતુ પહેલા ઓકિસમિટર ૭૦૦ રૂપિયામાં મળતું હતું. પરંતુ જે રીતે કોરોનાના કેસ વધ્યા તે રીતે લોકો સાવચેતીના ભાગરૂપે ઓકિસમિટરની ખરીદી કરવા લાગ્યા જેથી હાલ ઓકિસમિટરની કિંમત રૂ.૧૮૦૦થી ૨૦૦૦ સુધી પહોંચી ગઈ છે. સાથે બજારમાં કેટલાક નકલી ઓકિસમિટર પણ સસ્તા ભાવે મળતા થઈ ગયા છે. જોકે ઓકિસમિટરની બજારમાં ભારે ડિમાન્ડ છે પણ તે દરેક જગ્યાએ મળી રહે છે. નિટ્રીલ અને લેટેકસ આ ૨ પ્રકારના ગ્લોઝ કે જેનો કોરોના કાળ પહેલા નહીંવત ઉપયોગ થતો હતો. આજે એની પણ ઘણી ડિમાન્ડ છે. જોકે મેડિકલ ક્ષેત્ર નિટ્રીલ ગ્લોઝનો ઉપયોગ વધુ થાય છે. જેની કિંમત ૧ વર્ષ અગાઉ ૧૦૦ નંગના ૮૦૦ રૂપિયા હતી, જે હાલમાં રૂ. ૧૬૦૦થી ૨૦૦૦ની થઇ ગઇ છે.

આ મહામારીના સમયે લોકોમાં તાવ અને શરદી-ઉધરસ જેવા લક્ષણો વધારે જોવા મળે છે. જેથી વેપોરાઈઝર અને થર્મોમિટરનું પણ વેચાણ ખૂબ જ વધ્યું છે. વેપોરાઈઝરની કોરોના સંક્રમિત સિવાય સામાન્ય લોકો પણ મદદ લે છે. એક વર્ષ અગાઉ આ વેપોરાઈઝર ૯૦-૧૦૦ રૂપિયામાં મળતું હતું. આજે તેની કિંમત રૂ. ૨૦૦-૨૫૦ થઈ ગઈ છે અને બજારમાં ડિમાન્ડ પણ વધી છે.

(10:29 am IST)