Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

હાશ : રાજકોટમાં સંક્રમણ અને મૃત્યુઆંકમાં નોંધપાત્ર ઘટાડો

શહેર-જીલ્લામાં ૫૩ મોતઃ શહેરમાં બપોર સુધીમાં ૧૪૨ કેસઃ સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૭૬ પૈકી ૨૨ કોવીડ ડેથ થયાઃરિકવરી રેટ ૮૫.૦૪ ટકા થયો

રાજકોટ તા. ૨૮: શહેર - જિલ્લામાં   છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૫૩ નાં મૃત્યુ થયા  છે. જયારે  શહેરમાં બપોર સુધીમાં ૧૪૨ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૨૭નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૨૮નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૫૩ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૭૬ પૈકી ૨૨ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૧૨૩  બેડ ખાલી છે.

નોંધનીય છે કે શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં ૫૩ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બપોર સુધીમાં કોરોનાના ૧૪૨ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૪૨ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૩૨,૦૭૬ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૨૭,૧૬૭ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૧૦,૫૦૦  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૪૫૨ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૪.૩૦ ટકા થયો  હતો. જયારે ૬૫૨ દર્દીઓે સાજા થયા હતા. આજ દિન સુધીમાં ૯,૭૨,૬૩૦ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૨,૦૭૬ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૨૮ ટકા થયો છે. જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત ૪૬૦૪  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:14 pm IST)