Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

'મેં જિંદગી જીવી લીધી છે, આ મહિલાના પતિ મારો બેડ આપો : સંઘના 85 વર્ષીય સ્વયંસેવકે પોતાનો બેડ આપ્યો

કોરોના ગ્રસ્ત યુવકને બિછાવવા વૃદ્ધે પોતાનો બેડ આપી દીધો - ત્રણ દિવસ બાદ નિધન : નાગપુરના આરએસએસના સ્વયંસેવક નારાયણ ભાઉરાવજીએ જીવનના છેલ્લા શ્વાસ સુધી સેવા અને ત્યાગનો ધર્મ નિભાવ્યો

મુંબઈ : મહારાષ્ટ્રનું નાગપુર કોરોના સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાંનો એક છે. નાગપુરમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને હોસ્પિટલોમાં બેડ-ઓક્સિજનની પણ અછત છે. દરમિયાન, 85 વર્ષીય વૃદ્ધે માનવતાનું એક ઉદાહરણ બેસાડ્યું છે જે સાંભળીને લોકોની આંખોમાં આંસુ આવી રહ્યા છે. આરએસએસના એક વૃદ્ધ સ્વયંસેવક નારાયણ ભાઉરાવ દાભાડકરે થોડા દિવસ પહેલા એક યુવાન માટે હોસ્પિટલનો બેડ ખાલી કર્યો હતો. તેણે ડોકટરોને કહ્યું કે મેં મારું આખું જીવન જીવી લીધું છે, તેની સામે આખું જીવન પડ્યું છે. ભાઉરાવ હોસ્પિટલથી ઘરે પરત ફર્યા હતા જ્યાં ત્રણ દિવસ બાદ તેમનું અવસાન થયું હતું.

આરએસએસના સ્વયંસેવક નારાયણ ભાઉરાવ દાભાડકરની આ વાત ઘણા લોકો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે પણ દાભાડકરને શ્રદ્ધાંજલિ પાઠવી છે. નારાયણ રાવ દાભાડકર થોડા દિવસો પહેલા કોરોના સંક્રમિત થયા હતા અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના જમાઈ અને પુત્રીએ તેમને ઇન્દિરા ગાંધી સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેમને હોસ્પીટલમાં બેડ મેળવવા માટે પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

એક મહિલા તેના 40 વર્ષીય કોરોના ચેપગ્રસ્ત પતિ માટે બેડની શોધમાં હોસ્પિટલમાં પહોંચી હતી. ત્યાં કોઈ બેડ ખલી નહોતો અને તે મહિલા તેના પતિના જીવન માટે ફૂટી-ફૂટીને રડી રહી હતી. મહિલાનો રડવાનો અવાજ સાંભળીને દાભાડકર તેમના બેડ પરથી ઉભા થયા અને ડોક્ટરોને બોલાવ્યા અને કહ્યું કે તે ઘરે જઇ રહ્યા છે અને તેમનો બેડ આ યુવકને આપવો જોઈએ. દાભાડકરે કહ્યું- મેં આખી જિંદગી જોઇ છે, તેમના નાના બાળકો છે જે અનાથ થઈ જશે. આ બેડ તેમને આપવો જોઈએ. જ્યારે દાભાડકરે આ કહ્યું, ત્યારે તેમનું ઓક્સિજનનું સ્તર 60 હતું અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જો કે, એક ડોકટરે તેમને પહેલાં ન કહ્યું પણ તેમણે ડોકટરની એક પણ વાત ન સાંભળી અને ઘરે જતા રહ્યા.

નારાયણકાકાએ સાથે રહેલી દીકરીની વહુને કહ્યું, ' તારી સાસુને ફોન લગાવ એટલે હું એને પણ આ વાત કરી દઉં જેથી આપણે ઘરે પાછા જઈએ ત્યારે એ તને કાંઈ ન કહે.' ફોન પર કાકાએ દીકરીને આ વાત કહી. દીકરી વાત સ્વીકારવા તૈયાર નહોતી પરંતુ અંતે દીકરી પણ પિતાની જીદ સામે હારી ગઈ.
નારાયણકાકા પેલી સાવ અજાણી મહિલાના પતિને પોતાનો બેડ આપીને તૂટતા શ્વાસે પૂર્ણ સંતોષ સાથે ઘરે પહોંચ્યા અને ત્રણ દિવસ બાદ ભગવાનના ઘરે પહોંચ્યા.

(2:08 pm IST)