Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

મેં ૬પ વર્ષમાં કોઇને એક ગાળ પણ નથી આપીઃ શ્રી શ્રી

કયારેક કયારેક ગુસ્સો કરવો પણ જરૂરીઃ મને ગુસ્સો આવે ત્યારે મારા મોઢામાંથી એક જ શબ્દ નિકળે છે અને એ છે 'યુ સ્ટુપિડ'

નવી દિલ્હી : આર્ટ ઓફ લીવીંગના સ્થાપક અને આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરનાં દેશમાં જ નહીં વિદેશોમાં પણ કરોડો અનુયાયીઓ છે. તેઓ પોતાના આધ્યાત્મિક અને મોટીવેશનલ વકતવ્યોથી લોકોને પ્રેરિત કરે છે. ભાગદોડ વાળી આ જીંદગીમાં શ્રી શ્રી રવિશંકર લોકોને સારૂ જીવન જીવવાની સલાહ આપે છે. બોલીવુડ એકટર અનુપમ ખેરને આપેલા ઇન્ટરવ્યુમાં શ્રી શ્રી રવિશંકરે જણાવ્યું કે તેમને કયારેય ગુસ્સો નથી આવતો અને આવે તો થોડી મીનીટોમાં જ જતો રહે છે.

આ ઇન્ટરવ્યુનો વીડીયો શ્રી શ્રી રવિશંકરે પોતાના ઇન્ટસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડીયોમાં અનુપમ ખેર તેમને પુછે છે કે અંગત રીતે મને એમ લાગે છે કે ગુસ્સોએ સૌથી ખરાબ ભાવ છે., જે કોઇ પણ વ્યકિતને આવે છે. એક અભિનેતા તરીકે મારા માટે પોતાનો સંપૂર્ણ ગુસ્સો વ્યકત કરવો બહુ મુશ્કેલ બને છે. અને તેમને બહુ પરેશાન કરે છે. હું તમને પુછવા માંગુ છું કે, શું તમને પણ ગુસ્સો આવે છે?

તેના જવાબમાં શ્રી શ્રી રવિશંકર કહે છે, હું મારી આંગળીઓ પર ગણી શકું છું કે મને કેટલી વાર ગુસ્સો આવ્યો છે પણ મારો ગુસ્સો ટકતો નથી. તે થોડીક ક્ષણો માટે આવે છે પછી તે ખતમ થઇ જાય છે. હું ગુસ્સો વ્યકત કરવા માંગુ તો પણ કોઇને વિશ્વાસ નહીં આવે કે હું ખરેખર ગુસ્સે થયો છું. પણ હું કહેવા માંગુ છું કે ગુસ્સો કરવો એ ખરાબ બાબત નથી.

શ્રી શ્રી રવિશંકરે જણાવ્યું કે જયારે તેમને ગુસ્સો આવે છે ત્યારે તેમના મુખમાંથી ફકત એક જ શબ્દ નીકળે છે, 'યુ સ્ટુપિડ' સાથે જ તેમણે જણાવ્યું કે આ ૬પ વર્ષોમાં મારા મોઢામાંથી એક પણ ગાળ નથી નીકળી. જો કે હું આના કંટ્રોલ માટે કોઇ ખાસ એકસરસાઇઝ નથી કરતો. વીડીયોમાં તેઓ જણાવે છે. 'જો કોઇ કંઇક ખોટું કરે તો હું ગુસ્સો વ્યકત કરૂ છું. વરસ એકાદ વાર અથવા બે-ત્રણ વર્ષે એકાદ વાર. પણ પછી હું તો હસી પડુ છું અને સામેની વ્યકિત પણ હસી પડે છે. એટલે હું કહું છું કે ગુસ્સો પણ કયારેક કયારેક જરૂરી છે.'

(3:41 pm IST)