Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ટેક્સ ફ્રોડના આરોપમાં સિંગર શકીરાની અરજી કોર્ટે ફગાવી

ગીતોના કારણે હંમેશા ચર્ચામાં રહેતી સિંગર ફસાઈ : સિંગર શકીરા સાથે સંકળાયેલો આ કેસ વર્ષ ૨૦૧૮ના ડિસેમ્બર મહિનામાં પ્રથમ વખત સામે આવ્યો હતો

મેડ્રિડ, તા.૨૮ : પોતાના ગીતોના કારણે હંમેશા ચર્ચામાં રહેતી કોલંબિયન સિંગર શકીરા હાલ મુશ્કેલીઓના વમળમાં ફસાઈ છે. શકીરા પર ટેક્સ ફ્રોડનો આરોપ છે અને સ્પેનની એક કોર્ટે આ મામલે શકીરાની અરજીને ફગાવી દીધી છે. આ કારણે શકીરા સામે કેસ ચલાવવા માટેનો રસ્તો સાફ થઈ ગયો છે. શકીરા સાથે સંકળાયેલો આ કેસ વર્ષ ૨૦૧૮ના ડિસેમ્બર મહિનામાં પ્રથમ વખત સામે આવ્યો હતો.

સ્પેનિશ પ્રોસિક્યુટર્સે શકીરા પર વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪ની વચ્ચે કમાયેલી આવક પરના ટેક્સમાં ૧૪.૫ મિલિયન યુરો (૧૫.૫ મિલિયન અમેરિકી ડોલર)ની ચુકવણી કરવામાં અસફળ રહેવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપો લાગ્યા બાદ શકીરા કોર્ટમાં રજૂ થઈ હતી અને જૂન ૨૦૧૯માં કોર્ટમાં જુબાની આપતી વખતે તેણે કોઈ પણ ખોટું કામ કર્યાનો ઈનકાર કરી દીધો હતો. આ મામલે કોર્ટના કહેવા પ્રમાણે તેમના પાસે પૂરતા પુરાવા છે કે, શકીરાએ રાજ્યમાં ટેક્સ ચુકવવાની પ્રતિબદ્ધતાનું પાલન નથી કર્યું. આ કારણે શકીરા સામે કેસ ચલાવી શકાશે. પોપ સિંગરના ઘર અંગે જે અટકળો ચાલી રહી છે તેમાં આ કેસના મૂળ સંતાયેલા છે. કોર્ટના માનવા પ્રમાણે બહામાસ ખાતે સત્તાવાર ઘર હોવા છતાં તે મોટા ભાગે સ્પેનમાં રહે છે. જોકે શકીરાની ઁઇ ફર્મ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે તેમણે સ્પેનની ટેક્સ ઓફિસ દ્વારા બાકી ચુકવણીની જાણ કરાઈ એટલે તરત જ ચુકવણી કરી દીધી હતી.

શકીરાની લીગલ ટીમ દ્વારા તેઓ પોતાની નિર્દોષતાનો બચાવ કરવાનું ચાલુ રાખશે તે અંગેની પુષ્ટિ કરવામાં આવી છે. ત્યારે જો શકીરા સામેના તમામ આરોપો સિદ્ધ થશે અને આ કેસમાં તે દોષી ઠેરવાશે તો તેને દંડ ઉપરાંત જેલની સજા પણ થઈ શકે છે. જોકે જજ પ્રથમ વખતના ગુનેગારોને જો ૨ વર્ષથી ઓછી જેલની સજા થાય તો તે માફ કરી શકે છે.

(7:49 pm IST)