Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

યાસીન મલિકને સજા સામે ઈસ્લામિક દેશોની ટિપ્પણી સામે ભારતની લાલ આંખ

ટેરર ફન્ડિંગ કેસમાં અલગતાવાદી નેતાને આજીવન કેદ : યાસીન મલિકના કેસમાં કોર્ટનો જે નિર્ણય આવ્યો છે તેની ટીકા કરનારા OIC-IPHRCની ટિપ્પણી ભારતને મંજૂર નથી

નવી દિલ્હી, તા.૨૮ : ટેરર ફન્ડિંગ કેસમાં કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટના આ નિર્ણયની ઓઆઈસી-આઈપીએચઆરસી દ્વારા નિંદા કરવામાં આવી હતી જેની સામે ભારતે લાલ આંખ કરી છે. આ સાથે જ ભારતે સંગઠન દ્વારા આતંકવાદી ગતિવિધિઓનું સમર્થન કરવામાં આવ્યું હોવાનો દાવો પણ કર્યો છે.  ભારતે ઈસ્લામિક સહયોગ સંગઠન (ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન) સમક્ષ કોઈ પણ પ્રકારના આતંકવાદને યોગ્ય ન ઠેરવવાનો આગ્રહ વ્યક્ત કર્યો હતો અને વિશ્વ આ જોખમ સામે જીરો ટોલરન્સ ઈચ્છે છે તેમ જણાવ્યું હતું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, યાસીન મલિકના કેસમાં કોર્ટનો જે નિર્ણય આવ્યો છે તેની ટીકા કરનારા ઓઆઈસી-આઈપીએચઆરસીની ટિપ્પણી ભારતને મંજૂર નથી. આવી ટિપ્પણીઓ દ્વારા ઓઆઈસી-આઈપીએચઆરસીએ યાસીન મલિકની આતંકવાદી ગતિવિધિઓ માટે સમર્થન વ્યક્ત કર્યું છે. મલિકની આતંકવાદી ગતિવિધિઓના પુરાવાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા છે.

ઉલ્લેખનીય છે કે, એનઆઈઈ કોર્ટે બુધવારે જમ્મુ કાશ્મીરના આતંકવાદી યાસીન મલિકને આતંકવાદી ભંડોળ મામલે આજીવન કેદની સજા ફટકારી હતી. આ સાથે જ મલિકને ૧૦ લાખ રૃપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. તેને ૨ વખત આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી. જ્યારે એનઆઈઈએ ૧૯ મેના રોજ દોષી ઠેરવાયેલા આતંકવાદી માટે ફાંસીની સજાની માગણી કરી હતી.

 

(7:50 pm IST)