Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

મિસાઇલ સજ્જ ડ્રોન ઈરાને ટનલની અંદર સુરક્ષિત રાખ્યા ઈરાનની સેનાએ આ અંડરગ્રાઉન્ડ ડ્રોન બેઝ વિશે કેટલીક માહિતી શેર કરી

ઈરાનના સરકારી ટીવીએ આજે 28 મે 2022ના રોજ એક સમાચાર પ્રસારિત કર્યા હતા, જેમાં મિસાઈલથી સજ્જ ડ્રોન કેટલીક ટનલની અંદર બતાવવામાં આવ્યા હતા. ઈરાની સેનાના ખતરનાક ડ્રોન ઝાગ્રોસ પર્વતની નીચે બનેલી આ ટનલની અંદર રાખવામાં આવ્યા છે.

ઈરાનની સેના પોતાની સૈન્ય શક્તિ બતાવવા માટે રાજ્ય મીડિયા સંસ્થા દ્વારા આ તસવીરો પ્રસારિત કરી રહી હતી. ઈરાનની સેનાએ આ અંડરગ્રાઉન્ડ ડ્રોન બેઝ વિશે કેટલીક માહિતી શેર કરી હતી પરંતુ ચોક્કસ સ્થાન વિશે કોઈને જાણ કરી ન હતી. આ ટનલની અંદર ઓછામાં ઓછા 100 મિલિટ્રી ડ્રોન રાખવામાં આવ્યા છે. જેની તસવીરો જોઈને ખાડી દેશોમાં તણાવ સર્જાયો છે. રાજ્યની મીડિયા સંસ્થાએ કહ્યું કે જેગ્રોસ પર્વતની નીચે બનેલી આ ટનલની અંદર ખતરનાક અબાબીલ-5 ડ્રોન પણ હાજર છે. જેમાં કાઈમ-5 મિસાઈલ લગાવવામાં આવી છે.

કાઈમ-5 મિસાઈલો ઈરાન દ્વારા વિકસાવવામાં આવેલ હવાથી સપાટી પર પ્રહાર કરતી મિસાઈલ છે. જે અમેરિકાની હેલફાયર મિસાઈલ જેટલી ખતરનાક છે. ઈરાની સેનાના કમાન્ડર મેજર જનરલ અબ્દુલરહીમ મુસાવીએ કહ્યું કે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનની સેના આ વિસ્તારમાં સૌથી મજબૂત સેના છે.

ધ જેરુસલેમ પોસ્ટમાં છપાયેલા સમાચાર અનુસાર, મેજર જનરલે કહ્યું કે અમારા ડ્રોન કોઈપણ પ્રકારના હુમલાનો સામનો કરવા અથવા દુશ્મનોના હોશ ઉડાડવા માટે પૂરતા છે. અમે અમારા ડ્રોનને સતત અપગ્રેડ કરી રહ્યા છીએ.

(10:38 pm IST)