Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

GST ટેક્ષનાં દરોમાં ધરખમ ફેરફારોનું કાઉન્‍ટડાઉન

ચંડીગઢમાં બે દિવસની જીએસટી કાઉન્‍સીલની બેઠકનો પ્રારંભઃ કેસીનો - ઓનલાઇન ગેમિંગ ઉપર મહત્‍વનો નિર્ણય લેવાશે

નવી દિલ્‍હી, તા.૨૮: જીએસટી પરિષદની આજે મંગળવારથી ચંદીગઢમાં શરૂ થઇ રહેલી બે દિવસીય બેઠકમાં રાજયોને વળતર આપવાની વ્‍યવસ્‍થા ઉપરાંત કેટલીક વસ્‍તુઓના કર દરોમાં ફેરફાર અને નાના ઇ-કોમર્સ સપ્‍લાયરોને રજીસ્‍ટ્રેશન નિયમોમાં રાહત આપવા જેવા મુદાઓ પર વિચાર થઇ શકે છે.

નાણાપ્રધાન સીતારમણની અધ્‍યક્ષતામાં થનારી જીએસટી પરિષદની ૪૭મી બેઠકમાં રાજયોના નાણાપ્રધાનોના ગ્રુપ દ્વારા બે રિપોર્ટ રજૂ કરાશે. તેમાં વિપક્ષ શાસિત રાજયો કર દરોને તર્ક સંગત બનાવવાની સાથે રાજસ્‍વની ઘટનું વળતર ચાલુ રાખવાની જોરદાર વકીલાત કરશે. તો કેન્‍દ્ર સરકાર, નાણાંભીડની સ્‍થિતીનો હવાલો આપીને તેને બંધ કરવા ઇચ્‍છશે.

લખનૌમાં પરિષદ ૪૫મી બેઠકમાં સીતારમણે કહ્યું હતુ કે રાજયોને વળતર આપવાની વ્‍યવસ્‍થા જૂન ૨૦૨૨માં સમાપ્‍ત થઇ જશે. ચંદીગઢમાં થનારી બેઠકમાં અધિકારીઓની સમિતી અથવા ફીટમેન્‍ટ કમિટી તરફથી પ્રસ્‍તાવિત કર દરો પર પણ વિચાર કરવામાં આવશે.

છ મહિના પછી થઇ રહેલી જીએસટી પરિષદની આજની બેઠકમાં કૃત્રિમ અંગો અને ઓર્થોપેડીક પ્રત્‍યારોપણ પર એક સરખો પાંચ ટકા જીએસટી લગાવવા અંગે નિર્ણય થઇ શકે છે. સમિતિએ આના માટે ભલામણ કરી છે. આ ઉપરાંત, રોપવે યાત્રા પર પાંચ ટકા જીએસટી લગાવવાની પણ ભલામણ કરાઇ છે. હાલમાં આના પર ૧૮ ટકાના દરે જીએસટી ચૂકવવો પડે છે.

જીએસટી પરિષદ ઇ-કોમર્સ મંચનો ઉપયોગ કરવા માટે નાના ધંધાઓને ફરજીયાત રજીસ્‍ટ્રેશનના માપદંડોમાં છૂટછાટ આપી શકે છે. આ સાથે જ ૧.૫ કરોડ રૂપિયા સુધીનો બીજનેસ કરતા ઇ-કોમર્સ સપ્‍લાયરોને કંપોમીશન યોજના પસંદ કરવાની પરવાનગી હશે, જે કરના ઓછા દરો અને સરળ અનુપાલન રજુ કરે છે.

કાઉન્‍સિલ ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર ૨૮ ટકા GST લાદવાનો મુદ્દો પણ ઉઠાવશે. ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર GST લાદવાની ભલામણ કરવા માટે ગુજરાતના નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઈ પટેલની આગેવાનીમાં ગયા વર્ષે જૂનમાં મંત્રીઓના જૂથ (GoM)ની રચના કરવામાં આવી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં જીઓએમની પુનઃરચના કરવામાં આવી હતી અને મેઘાલયના મુખ્‍યમંત્રી કોનરાડ સંગમાને પેનલના કન્‍વીનર બનાવવામાં આવ્‍યા હતા.

GoM એ ભલામણ કરી છે કે ઓનલાઇન ગેમિંગ પર રમતમાં ભાગ લેવા પર ખેલાડી દ્વારા ચૂકવવામાં આવતી હરીફાઈ પ્રવેશ ફી સહિત, વિચારણાના સંપૂર્ણ મૂલ્‍ય પર કર લાદવો જોઈએ. રેસ કોર્સના કિસ્‍સામાં, તેણે કહ્યું હતું કે ટોટલાઈઝર્સ અને બુકીઓ સાથે મૂકવામાં આવેલા બેટ્‍સના સંપૂર્ણ મૂલ્‍ય પર GST વસૂલવો જોઈએ; જ્‍યારે કેસિનોમાં, GoM એ ભલામણ કરી હતી કે ખેલાડી દ્વારા કેસિનોમાંથી ખરીદેલ ચિપ્‍સ/સિક્કાની સંપૂર્ણ ફેસ વેલ્‍યુ પર પણ ટેક્‍સ લાદવામાં આવે. કેસિનોમાં પ્રવેશ/એક્‍સેસ ફી પર પણ ૨૮ ટકા GST હશે, જેમાં ખોરાક/પીણા વગેરેનો ફરજિયાત સમાવેશ થાય છે.

તે કોરોનાવાયરસ રોગચાળાને કારણે થતા વિક્ષેપોને ધ્‍યાનમાં રાખીને, માર્ચ ૧, ૨૦૨૦ અને ફેબ્રુઆરી ૨૮, ૨૦૨૨ ની વચ્‍ચે રિફંડના દાવા ફાઇલ કરવાની જરૂરિયાતને પણ માફ કરે તેવી શકયતા છે. કાઉન્‍સિલ તેની આગામી બેઠક દરમિયાન ક્રિપ્‍ટોકરન્‍સી પર ૨૮ ટકા ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ વસૂલવાની પણ વિચારણા કરે તેવી શકયતા છે. GST ટ્રિબ્‍યુનલની સ્‍થાપના માટે જોગવાઈને સરળ બનાવવા માટે કાયદામાં ફેરફાર અંગે પણ ચર્ચા થવાની અપેક્ષા છે.

-વાહનો પર પાંચ ટકા ટેક્‍સઃ ઈ-વાહનો માટે જીએસટી દરો અંગે સ્‍પષ્ટતા જારી કરવામાં આવી શકે છે. આમાં, બેટરીથી સજ્જ અથવા વગરના ઈ-વાહનો પર ૫% GST લાદવા પર ચર્ચા થઈ શકે છે.

સોના/કિંમતી પથ્‍થરો માટે ઇ-વે બિલ જરૂરીઃ કાઉન્‍સિલ રૂ.૨ લાખ અને તેનાથી વધુ મૂલ્‍યના સોના/કિંમતી પથ્‍થરોની આંતર-રાજ્‍ય હિલચાલ માટે ઇ-વે બિલ અને ઇ-ચલણ ફરજિયાત બનાવી શકે છે. આ વ્‍યવસ્‍થા ૨૦ કરોડ રૂપિયાથી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે હશે.

નાના ઈ-કોમર્સ સપ્‍લાયરો માટે નોંધણીમાં રાહતઃ GST કાઉન્‍સિલ નાના વ્‍યવસાયોને ઈ-કોમર્સ પ્‍લેટફોર્મનો ઉપયોગ કરવા માટે ફરજિયાત નોંધણી ધોરણોમાંથી મુક્‍તિ આપી શકે છે. વધુમાં, રૂ.૧.૫ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા ઈ-કોમર્સ સપ્‍લાયર્સને કમ્‍પોઝિશન સ્‍કીમ પસંદ કરવાની મંજૂરી આપવામાં આવશે, જે નીચા ટેક્‍સ દરો અને સરળ અનુપાલન ઓફર કરે છે.

(3:46 pm IST)