Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ડીઝલ મોંઘુ થતાં માલપરિવહન ભાડા ૩૦% વધ્યા

નૂરમાં વધારો કાપડમાં ૨૫%, મસાલા, ડ્રાયફ્રૂટ, સિમેન્ટમાં ૨૦%, સ્ટીલમાં ૩૦%

નવી દિલ્હી તા. ૨૮ : ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તેમજ ઈન્સ્યુરન્સ, ટોલ ટેકસ, ટાયર બેટરી, વગેરેના ભાવમાં પણ વધારો થવાને પગલે ગુજરાત સહિત દેશભરમાં માલસામાન- ચીજવસ્તુઓની હેરફેર કરતા ટ્રક- કન્ટેઈનરના સંચાલકો અને ટ્રાન્સપોર્ટર્સ દ્વારા ફ્રેઈટ- નૂર ભાડામાં ૨૫થી ૩૦ ટકા વધારો કર્યો છે. ચીજવસ્તુઓના ઉત્પાદન માટે વપરાતી કાચી સામગ્રી (રો મટીરીયલ્સ), રેડીમેઈડ ગારમેન્ટ, સ્ટીલ, સિમેન્ટ, જીવન જરૂરી અને વપરાશી ચીજવસ્તુઓનું માલ વહનમાં વધારો કરાયો છે અને તેના પગલે તમામ ચીજવસ્તુઓમાં ૧૦થી ૧૫ ટકા મોંઘી બની ગઈ હોવાનું માર્કેટના સૂત્રોએ જણાવ્યું છે. વિદેશમાં નિકાસ ઓર્ડર સાચવવા માટેના કન્ટેઈનરના નૂરમાં ૨૦૦ ટકા જેટલો વધારો થયો છે અને આટલો ફ્રેઈટ વધારો આપવા છતાં નિકાસ ઓર્ડર માટે કન્ટેઈનર મળતા ન હોવાનું જાણવા મળે છે.

ડીઝલના ભાવમાં વધારાને કારણે માલ પરિવહન વ્યવસાય સાથે સંકળાયેલા ટ્રક- ટ્રાન્સપોર્ટર્સ દ્વારા નૂર ભાડાં- ફ્રેઈટમાં ૨૫થી ૩૦ ટકાનો વધારો થયો છે. કાપડ, રેડીમેઈડ ગારમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા મલ્લસિંગે જણાવ્યું હતું કે, સાડી, ડ્રેસ મટીરીયલ્સ, રેડીમેઈડ ગારમેન્ટ લઈને ભીવંડીથી આવતી ટ્રકમાં ગાંસડીદીઠ રૂ. ૫૦નો વધારો થયો છે. અગાઉ રૂ.૨૦૦માં આવતી ગાંસડી માટે હવે રૂ. ૨૫૦ ચૂકવવા પડે છે. ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાની મરચાં, મસાલા, ડ્રાય ફ્રુટ, સહિત ખાદ્ય ચીજવસ્તુઓની હેરફેર પર પણ અસર પડી છે. ઓલ ઈન્ડિયા ઈમ્પોર્ટર્સ સ્પાઈસીઝ એસોસીએશનના સેક્રેટરી હિરેન ગાંધીએ કહ્યું કે, મરચાં, મરી, મસાલા, તેજાના, ડ્રાય ફ્રુટ, સોપારી, પાન- મસાલા, ગુટકા, વગેરેની હેરફેરના ભાડમાં ૧૫થી ૨૦ ટકા વધારો થયો છે.

અમી કેસ્ટર એન્ડ ડેરિવેટિવ્ઝ લિ.ના ચેરમેન દિલીપ ઉપાધ્યાએ જણાવ્યું હતું કે, દરિયાઈ માર્ગે માલ પરિવહન માટેના ફ્રેઈટ- નૂરમાં ૨૦૦થી ૩૦૦ ટકાનો વધારો નોંધાયો છે અને તેના કારણે વિદેશના નિકાસ ઓર્ડર પરિપૂર્ણ કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને નિકાસકારોને નુકસાન થઈ રહ્યું છે.

કન્ટેઈનર મળતા ન હોવાને કારણે નિકાસ વ્યવસાય પર માઠી અસર થઈ છે. બંદરેથી ફેકટરી સુધીના લોકલ ટ્રાન્સપોર્ટમાં રૂ.૨,૬૦૦થી રૂ. ૩,૦૦૦ હજાર જેટલો વધારો થયો છે તેમજ કાચી સામગ્રીના પરિવહનમાં પણ ભાવ વધારો થયો છે. યુરોપ અને ઓસ્ટ્રેલિયા માટેના દરિયાઈ ફ્રેઈટમાં નોંધપાત્ર વધારો થયો છે જયારે અમેરિકા અને લેટિન અમેરિકા માટે કન્ટેઈનર મળતા નથી.

(10:31 am IST)