Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

મુંબઇમાં મોસમનો સરેરાશ ૯૩ ટકા વરસાદ પડી ગયો

બે મહિનામાં ૨૦૫૬.૮ મિલીમીટર વરસાદ નોંધાયો : કુલ ૮૨ ઇંચ

 

મુંબઈ,તા.૨૮: મુંબઈમાં ગયા અઠવાડિયામાં મુશળધાર પડી ગયા બાદ હાલ ફકત હળવા ઝાપટાં જ પડી રહ્યા છે. ત્‍યારે મુંબઈમાં મોસમનો સરેરાશ ૯૩ ટકા વરસાદ પડી ચૂકયો છે. મુંબઈમાં સામાન્‍ય રીતે ચોમાસામાં સરેરાશ ૨૨૦૫.૮ મિ.મી. જેટલો પડતો હોય છે ત્‍યારે સાંતાક્રુઝમાં અત્‍યાર સુધી ૨૦૫૬.૦૮ મિ.મી. જેટલો વરસાદ પડી ચૂકયો છે. ચોમાસાને હજી બે મહિનાનો સમય બાકી છે, ત્‍યારે આ વખતે મોસમનો સરેરાશ કરતા વધુ વરસાદ પડવાની શકયતા જણાઈ રહી છે.

 કોલાબામાં સવારના ૨૪ કલાક દરમિયાન ૧૦ મિ.મી. અને સાંતાક્રુઝમાં ૪.૧ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો. મહારાષ્ટ્રના કિનારપટ્ટીથી કેરલા કિનારા સુધી હવાના દબાણનો પટ્ટો સર્જાયો હતો અને લો પ્રેશર પણ હતું, તેની અસર હવે ઓછી થઈ ગઈ છે. તેથી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં હાલ વરસાદનું જોર થોડું હળવું થયું છે.

મુંબઈમં ૧૭-૧૮ જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડયો હતો. જેમાં અનેક લોકોએ પોતાના જાન ગુમાવ્‍યા હતા. ૧૭-૧૮ જુલાઈ દરમિયાન સાંતાક્રુઝમાં ૨૩૫ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો. તો ૧૬-૧૭ જુલાઈ દરમિયાન ૨૫૩ મિ.મી. અને ૯ જૂનથી ૧૦ જૂન દરમિયાન ૨૩૧.૩ મિ.મી. જેટલો વરસાદ પડયો હતો.

(10:38 am IST)