Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

સહકારિતા મંત્રાલયની રચનાની તૈયારીઓ પુરી

પ્રશાસનીક, કાનૂની અને નીતિગત માળખાથી લેસ હશે નવું મંત્રાલય નવા મંત્રાલયને : મળશે ચારથી પાંચ સંયુકત સચિવ સહકારી આંદોલનને વેગ મળશે, રોજગારી વધશે

નવી દિલ્હી તા. ૨૮ : સહકારિતા મંત્રાલયની રચનાની તૈયારીઓ લગભગ પુરી થઇ ગઇ છે. અલગ મંત્રાલય બનાવવાની નિર્ધારીત કાયદાકીય પ્રક્રિયાઓ અંતિમ તબક્કામાં છે. ગંભીર ચર્ચા વિચારણા પછી તૈયાર કરાયેલ કેબીનેટ મુસદ્દો વિતરીત થઇ ચૂકયો છે, જેના પર કેન્દ્રીય મંત્રીમંડળની આજે મળનારી બેઠકમાં અંતિમ મહોર લાગવાની શકયતા છે. સહકારી ક્ષેત્રમાં પ્રાઇમરી સોસાયટીથી મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ સેકટરને નિયંત્રીત કરવા માટે પ્રસ્તાવિત નવરચિત મંત્રાલયમાં ચારથી પાંચ સંયુકત સચિવ સ્તરના અધિકારીઓની નિમણૂંક થઇ શકે છે.

નવરચિત મંત્રાલયમાં ત્રણ મુખ્ય સેકશન બનશે, જેની જવાબદારી સંયુકત સચિવ સ્તરના અધિકારીને સોંપી શકાય છે. અત્યાર સુધી સહકારિતા વિભાગ કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયને આધિન ઉપેક્ષીત રીતે કામ કરતો હતો. તેના માટે કોઇ સંયુકત સચિવ સ્તરના અધિકારી પણ નિયુકત નહોતા કરાતા પણ સરકારે આ વિભાગની મહત્વતા સમજીને નવું સહકારિતા મંત્રાલય બનાવવાનો નિર્ણય કર્યો હતો. કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીના નિર્ણયની જાહેરાત સંસદમાં થઇ શકે છે.

નવું મંત્રાલય બન્યા પછી સહકારિતા ક્ષેત્રને પ્રશાસનિક, કાનૂની અને નીતિગત માળખુ ઉપલબ્ધ થઇ જશે જેનાથી સહકારી આંદોલનને બળ મળશે. તેનાથી સમાજના નીચલા સ્તરના લોકોને રોજગાર ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે.

સહકારિતા ક્ષેત્રમાં વ્યાપ્ત કથિત ભ્રષ્ટાચાર અને અનિયમીતતાઓને દૂર કરી શકાશે. સહકારી આંદોલનની મદદથી ગામડાઓ, ગરીબ, ખેડૂત, વણકર, માછીમારો અને ગ્રાહકોને સશકત બનાવી શકાશે.

(2:51 pm IST)