Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

પેગાસસથી જાસૂસી એન્ટી-નેશનલ : ફોનમાં PM મોદીએ હથિયાર નાખ્યું

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહારો

નવી દિલ્હી તા. ૨૮ : પેગાસસ જાસૂસી વિવાદ, કૃષિ કાયદા સહિત કેટલાક મુદ્દા પર સંસદના બન્ને સદનમાં હંગામો ચાલી રહ્યો છે. સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે બુધવારે વિપક્ષી પાર્ટીના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં એક ડઝન પાર્ટીઓએ ભાગ લીધો હતો. મીટિંગ બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી પાર્ટીના નેતાઓએ મીડિયાને સંબોધિત કર્યા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે, વિપક્ષનો અવાજ સંસદમાં દબાવવામાં આવી રહ્યો છે, અમારો માત્ર આ જ સવાલ છે કે શું દેશની સરકારે પેગાસસને ખરીદ્યુ છે નથી ખરીદ્યુ. શું સરકારે પોતાના લોકો પર પેગાસસ હથિયારનો ઉપયોગ કર્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યુ કે દેશમાં મારી વિરૂદ્ઘ, સુપ્રીમ કોર્ટ, મીડિયા અને અન્ય લોકો વિરૂદ્ઘ પેગાસસના હથિયારનો પ્રયોગ કરવામાં આવ્યો. સરકારે આવુ કેમ કર્યુ, તે તેનો જવાબ આપે. અમે સંસદને ચાલતા નથી રોકી રહ્યા પણ પોતાનો અવાજ બુલંદ કરવા માંગી રહ્યા છીએ.

રાહુલ ગાંધીએ કહ્યુ કે જે હથિયારનો ઉપયોગ આતંકવાદીઓ વિરૂદ્ઘ થવો જોઇતો હતો, તેનો ઉપયોગ અમારી વિરૂદ્ઘ કેમ થઇ રહ્યો છે. સરકાર જવાબ આપે કે પેગાસસ કેમ ખરીદવામાં આવ્યુ હતું.

મહત્વપૂર્ણ છે કે કેટલાક દિવસ પહેલા આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે ભારત સરકારે ઇઝરાયલી સોફટવેર પેગાસસથી કેટલાક લોકોના ફોન હેક કર્યા છે, જેમાં રાહુલ ગાંધી, પ્રશાંત કિશોર સહિત કેટલાક નેતા, કેટલાક કેન્દ્રીય મંત્રી, પત્રકારો અને અન્ય લોકોના નામ સામેલ હતા.

વિપક્ષ તરફથી હવે આ મામલે સંસદના બન્ને સદનમાં હંગામો કરવામાં આવી રહ્યો છે. વિપક્ષની માંગ છે કે આ વિષય પર ચર્ચા કરવામાં આવે, જયારે સરકારે આ આરોપોને પુરી રીતે ફગાવી દીધા છે. સરકારનું કહેવુ છે કે મોનસૂન સત્રના કામકાજને રોકવા માટે આ રીતના ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે.

(4:00 pm IST)