Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

મોબ લિન્ચિંગના વર્તમાન કાયદા ઉપર રિવ્યુ જારી

સમાજના દરેક હિસ્સાને ન્યાય અપાવવા સરકાર પ્રતિબદ્ધ : સરકારે ફેક ન્યૂઝ રોકવા સિસ્ટમને મજબૂત કરી છે જેની ભીડને ઉશ્કેરવાની, લિન્ચિંગ જેવી ઘટનામાં ભૂમિકા

નવી દિલ્હી, તા.૨૮ : દેશના વિવિધ ક્ષેત્રોમાં લિન્ચિંગ સાથે સંકળાયેલી ઘટનાઓ પર એક્શન લઈને બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદમાં નિવેદન આપ્યું હતું. ગૃહ મંત્રાલયના કહેવા પ્રમાણે સરકાર દ્વારા વર્તમાન ક્રિમિનલ લૉનો રિવ્યુ કરવામાં આવી રહ્યો છે. ગૃહ મંત્રાલયે નિવેદન આપ્યું હતું કે, સરકાર વર્તમાન કાયદાનો રિવ્યુ કરીને પ્રકારની લૉ એન્ડ ઓર્ડર સાથે સંકળાયેલી સ્થિતિ પ્રમાણે તૈયાર કરી રહી છે. સરકારનો પ્રયત્ન સમાજના દરેક હિસ્સાને નિશ્ચિત સમયમાં ન્યાય અપાવવાનો છે.

ગૃહ મંત્રાલયે રાજ્ય સભામાં જણાવ્યું કે, સરકારનો પ્રયત્ન છે કે, સમાજમાં એક એવું લીગલ સેક્શન બનાવવામાં આવે જે સામાન્ય લોકો માટે સરળ હોય. તે સિવાય સરકારે ફેક ન્યૂઝ અને અફવાઓને રોકવા માટે સિસ્ટમને મજબૂત કરી છે જે ભીડને ઉશ્કેરવાની, લિન્ચિંગ જેવી ઘટનાઓમાં ભૂમિકા ભજવે છે.

સાસંદ મનોજ કુમાર ઝાએ રાજ્યસભામાં સવાલ કર્યો હતો. મનોજ કુમારે પુછ્યું હતું કે, શું સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્દેશો પ્રમાણે હેટ ક્રાઈમ, મોબ લિન્ચિંગ સાથે સંકળાયેલા કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તે સિવાય મનોજ કુમારે સરકાર પાસેથી હેટ ક્રાઈમ, મૉબ લિન્ચિંગની ઘટનાઓ સાથે સંકળાયેલા આંકડાઓ પણ માગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી દેશના અલગ-અલગ વિસ્તારોમાં મોબ લિન્ચિંગ સાથે સંકળાયેલી ઘટનાઓ સામે આવી હતી. ત્યાર બાદ વિપક્ષે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પર નિશાન સાધ્યુ હતું. મુદ્દો ઘણા લાંબા સમય સુધી દેશના રાજકારણમાં છવાયેલો રહ્યો હતો.

 

(9:10 pm IST)