Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ભારતમાં ઓક્સફોર્ડ યુનિ.ની વેક્સિન બે ડોકટરને અપાઈ

પુણેની ભારતી હોસ્પિટલમાં બે ડોકટરોને પહેલો ડોઝ : વેક્સિનના ટ્રાયલમાં વોલેન્ટિયર્સની ભારે ભીડ, પુણેની ૪ જગ્યાઓ પર ૨૫૦-૩૦૦ વોલેન્ટિયર્સ એકઠા થયા હતા

નવી દિલ્હી, તા. ૨૭ : ભારતમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ બીજા અને ત્રીજા સ્ટેજમા ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી છે. પુણેની ભારતી હોસ્પિટલમાં બે લોકોને પહેલો ડોઝ આપવામા આવ્યો છે. એમાંના એક ૪૮ વર્ષના વોલેન્ટિયર પુણેની એક ખાનગી હોસ્પિટલમાં ગાયનાકોલોજિસ્ટ છે, જ્યારે બીજા વોલેન્ટિયર ૩૨ વર્ષના એક ડૉકટર છે, જે એક ખાનગી કંપનીમાં કામ કરે છે. વેક્સિનનો પહેલો ડોઝ ૩૨ વર્ષના વોલેન્ટિયરના બુધવારે બપોરે ૧ કલાક અને  ૩૫ મિનિટે  આપવામાં આવ્યો જ્યારે બીજા વોલેન્ટિયરને આ વેક્સિન ૧૫ મિનિટ પછી ૧ વાગ્યા અને ૫૦ મિનિટે આપવામાં આવ્યો હતો.

           ઓક્સફોર્ડની કોવિશીલ્ડ વેક્સિનનો ડોઝ આપનાર ૪૮ વર્ષના ગાયનેકોલોજિસ્ટ ૧૦ વર્ષ પહેલા પણ સ્વાઇન ફ્લુની વેક્સિનને ક્લિનિકલ ટ્રાયલમાં વોલેન્ટિયરના તરીકે ભાગ લઇ ચૂકયા છે. વેક્સિનના ટ્રાયલ દરમિયાન વોલેન્ટિયર્સની ભારે ભીડ જોવા મળી હતી. પુણેની ૪ જગ્યાઓ પર ૨૫૦-૩૦૦ વોલેન્ટિયર્સ એકઠા થયા હતા. જેમાંથી સ્ક્રિનિંગ માટે કેટલાક લોકોનું નામાંકન કરવામાં આવ્યું. વેક્સિનનો ડોઝ લેનાર ગાયનેકોલોજિસ્ટએ કહ્યું કે, હું આ ટ્રાયલમાં ભાગ લેતી વખતે ઉત્સાહિત નથી કારણકે હું આ વાઇરસથી કેટલાય લોકોને મરતા જોઉં છું. વેક્સિન જ આ વાયરસનો એક ઉપાય છે.

 ભારતી વિદ્યાપીઠએ સ્વાસ્થ્ય વિજ્ઞાન વિભાગની કાર્યકારી નિર્દેશક ડૉક્ટર અસ્મિતા જગતાપે કહ્યું કે, આ સંસ્થામાં છેલ્લાં ૧૫ વર્ષોમા ૫૦થી વધુ ક્લિનિકલ ટ્રાયલ થઇ ચૂક્યા છે. તેમણે કહ્યું કે અમારી પાસે એવા બહુ કોલ આવ્યા છે. આ વેક્સિનની ટ્રાયલ ૧૬૦૦ લોકો પર કરવામાં આવી છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા અને રાષ્ટ્રીય ડ્રગ રેગ્યુલેટરે ત્રણ ઓગસ્ટના પુણેના સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાના ભારતમાં આ વેક્સિનના બીજા અને ત્રીજા માનવ ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપી હતી. ઓક્સફોર્ડ યુનિવર્સિટીની આ વેક્સિન એક સામાન્ય કોલ્ડ વાઇરસને નબળો બનાવવા તૈયાર કરાઈ છે.

(12:00 am IST)