Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

પાક-ચીન કેમિકલ વેપન્સ તૈયાર કરી રહ્યાંનો આક્ષેપ

ઈકોનોમિક કોરિડોરના નામે છેતરપિંડી : પાક. અને ચીન વુહાનની પ્રયોગશાળામાં છેક ૨૦૧૫થી રાસાયણિક શસ્ત્રો બનાવવાની દિશામાં કામ કરી રહ્યાં હતાં

નવી દિલ્હી, તા. ૨૭ : ચીન અને પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના અને સડક નિર્માણના બહાને રાસાયણિક શસ્ત્રો બનાવી રહ્યાં હોવાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ એક ઓસ્ટ્રેલિયન વેબસાઇટે કર્યો છે. ઓસ્ટ્રેલિયન વેબસાઇટ ધ ક્લાક્સોને એવો આક્ષેપ કર્યો હતો કે સીપીઇસીની આડમાં છેલ્લાં પાંચ વર્ષથી આ બંને દેશો રાસાયણિક શસ્ત્રો બનાવી રહ્યાં હતાં. વેબસાઇટના એક આર્ટિકલમાં જણાવવામાં આવ્યું હતું કે ચીન અને પાકિસ્તાનનાં લશ્કરો વચ્ચે ગયા મહિને ત્રણ વર્ષની એક ડીલ (સમજૂતી ) થઇ હતી. આ સમજૂતીમાં વુહાન ઇનસ્ટ્ટીટ્યુટ ઑફ વાઇરોલોજીમાં રાસાયણિક શસ્ત્રો બનાવવાની સમજૂતીનો પણ સમાવેશ થયો હતો. આ વેબસાઇટે એવો આક્ષેપ કર્યો હતો કે પાકિસ્તાન અને ચીન વુહાનમાં આવેલી પ્રયોગશાળામાં છેક ૨૦૧૫થી રાસાયણિક શસ્ત્રો બનાવવાની દિશામાં કામ કરી રહ્યાં હતાં.

આ વેબસાઇટે એવું પણ જણાવ્યું હતું કે પાકિસ્તાન સાથે ચીને કરેલી ડ઼ીલની કેટલીક વિગતો ગુપ્ત રાખવામાં આવી હતી કારણ કે એ રાસાયણિક શસ્ત્રોને લગતી બાબત હતી. આ બંને દેશોએ બાયો-વૉરફેર માટે ત્રણ વર્ષની સમજૂતી કરી હતી અને એના પર કામકાજ પણ શરૂ થઇ ચૂક્યું હતું.

બંને દેશોના વિજ્ઞાનીઓ દ્વારા હાથ ધરાયેલા એક બાયોલોજિકલ પ્રોગ્રામની વિગતો એક મેડિકલ જર્નલમાં પ્રગટ થઇ ચૂકી હતી. એમાં એક જીવલેણ વાઇરસની વાત હતી. ૨૦૧૭ના ડિસેંબરથી ૨૦૨૦ના ડિસેંબર સુધીની ત્રણ વર્ષની સમજૂતી અન્વયેજ અમુક વાઇરસને છૂટા મૂકાયા હતા. આ વાઇરસ જાનવરોમાંથી માણસોમાં પ્રવેશતા હતા એવું પણ આ વેબસાઇટે જણાવ્યું હતું.

(12:00 am IST)