Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' પાખંડ છે : દિલ્હી હાઇકોર્ટ

પ્રાદેશિક એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલીંગ સર્વિસ ઉપલબ્ધ કરાવવા માટે નિકળેલા ટેન્ડરોના મામલે હાઇકોર્ટની ઉગ્ર ટીપ્પણી : દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી બંને નારાને ઢોંગી અથવા તો પાખંડી ગણાવ્યા : એક તરફ બહારના લોકો માટે રસ્તા ખોલો છો તો બીજી તરફ સ્થાનિક ઉદ્યોગોના ગળે ટુંપો આપો છો : જો આવું જ કરવું હોય તો મોટા મોટા ભાષણો કેમ આપો છો

નવી દિલ્હી તા. ૨૮ : દિલ્હી હાઇકોર્ટે ગઇકાલે કેન્દ્ર સરકાર પર તિખા પ્રહારો કરતા મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના નારાને પાખંડ અર્થાત ઢોંગી ગણાવેલ છે. હાઇકોર્ટે કહ્યું છે કે કેન્દ્ર સરકાર સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાને લઇને 'પાખંડી' સાબિત થઇ છે. હાઇકોર્ટે આ આકરી ટીપ્પણી વિવિધ પ્રાદેશિક એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલીંગ સર્વિસ ઉપલબ્ધ કરાવવા માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરોમાં કંપનીઓની યોગ્યતાના માપદંડમા ફેરફારને લઇને કરી હતી.

હાઇકોર્ટની ખંડપીઠ સેન્ટર ફોર એવીએશન પોલીસી, સેફટી એન્ડ રિસર્ચની સુનાવણી કરતી હતી. ખંડપીઠે કેન્દ્ર અને એએઆઇને નોટીસ જારી કરતા જવાબ માંગ્યો છે અને સાથોસાથ નિર્દેશ આપ્યો છે કે ટેન્ડરોની ફાળવણીની કાયદેસરતા અરજી નકારવાના ફેસલા પર નિર્ભર રહેશે.

દિલ્હી હાઇકોર્ટે આ મુદ્દા પર રાજનીતિક નેતૃત્વ પર આકરૂ વલણ અપનાવ્યું હતું અને કહ્યું હતું કે, એ અત્યંત દુઃખની બાબત છે કે એકતરફ સરકાર મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર બનવાની વાત કરે છે તથા બીજી તરફ એવા ટેન્ડર બહાર પાડે છે જે નાની કંપનીઓને પ્રાદેશિક એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલીંગ સર્વિસ માટે ભાગીદારી કરવા અટકાવે છે.

જસ્ટીસ વિપીન સાંધી અને જસ્ટીસ રજનીશ ભટ્ટનાગરની પીઠે કહ્યું છે કે વાસ્તવમાં એ દેખાય છે કે જો તમે હકીકતે એ લોકો એટલે કે નાની કંપનીઓને હટાવા ઇચ્છતા હોય તો આવું જ કહો. તમે તમારા ભાષણોમાં મોટી મોટી વાતો કરો છો. તમારું રાજકીય નેતૃત્વ મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારતની વાત કરે છે. જેમાં સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત કહેવાય છે પરંતુ તમારી કાર્યવાહી તમારા શબ્દો સાથે મેળ ખાતી નથી. તમે સંપૂર્ણ રીતે પાખંડી છો.

ખંડપીઠે એડી. સોલિશીટર સંજય જૈનને તમારા રાજકીય નેતૃત્વ પાસે એવું બોલવા માટે કહ્યું છે કે, જો તમે આ પ્રકારે ચાલવા ઇચ્છતા હો તો મેક ઇન ઇન્ડિયા પર ભાષણ કેમ આપો છો. સંજય જૈન કેન્દ્ર અને એએઆઇ તરફથી હાજર થયા હતા. ખંડપીઠે તેમને સવાલ કર્યો હતો કે, શું તમારૃં રાજકીય નેતૃત્વ આ બધુ જાણે છે. ખંડપીઠે કહ્યું હતું કે, કહીએ છીએ કે આ દેશ કે એ દેશથી આયાત બંધ કરો અને બીજી તરફ આપણે આપણા ઉદ્યોગોને પણ નિષ્ફળ બનાવી રહ્યા છીએ.

ટેન્ડરમાં ભાગ લેવા માટે ૩૫ કરોડ રૂપિયાથી વધુની ઉપલબ્ધતા અને શિડયુલ એરલાન્સ સાથે કામ કરવાની યોગ્યતાનું માપદંડ છે. આના હવાલો આપતા હાઇકોર્ટ કહ્યું હતું કે, તમે મોટા ગજવાવાળા એટલે કે માલદાર કદાચ વિદેશી ખેલાડીઓ એટલે કે મોટી કંપનીઓને જ પરવાનગી આપવા ઇચ્છો છો.

(11:07 am IST)