Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

કોંગ્રેસ ઇતિહાસના સૌથી ખરાબ દોરમાંથી પસાર થાય છે

પક્ષને ૨૪ કલાક કામ કરે એવા નેતૃત્વની જરૂર છે : કપિલ સિબ્બલ

નવી દિલ્હી તા. ૨૮ : કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માંગણીને લઇને લખવામાં આવેલા પત્રને લઇને ધમાચકડી ચાલુ છે. આ દરમિયાન કપિલ સિબ્બલે કોંગ્રેસ વર્કીંગ કમિટિની બેઠક બાદ પોતાના પ્રથમ ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, કોંગ્રેસ હાલ પોતાના સૌથી ખરાબ ઐતિહાસિક દૌરમાંથી પસાર થઇ રહેલ છે. પક્ષને એવા નેતૃત્વની જરૂર છે જે ૨૪ કલાક કામ કરવા માટે તત્પર હોય. કપિલ સિબ્બલએ ૨૩ નેતાઓમાં સામિલ છે કોંગ્રેસ પક્ષમાં નેતૃત્વ બદલવા સહિત વ્યાપક સુધારાની માંગણીને લઇને વિવાદસ્પદ પત્ર લખ્યો હતો. સોનિયા ગાંધીને ૭મી ઓગસ્ટે પત્ર લખવામાં આવ્યો હતો. કપિલ સિબ્બલે હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જો લોકો સુધી આ પત્ર પહોંચે તો જાણ થઇ જાશે કે આ પત્ર ગાંધી પરિવાર સહિત કોઇ પણના અપમાન કરવાનો પ્રયાસ નથી. તેમણે કહ્યું છે કે, અમારો ઇરાદો પક્ષને ફરી બેઠો કરવાનો છે.  તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ ઐતિહાસિક રીતે પોતાના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહેલ છે અને ૨૦૧૪-૨૦૧૯ના ચૂંટણી પરિણામો આ દર્શાવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, પક્ષે બંધારણને ધ્યાનમાં રાખી સંગઠનને કેટલીક બાબતને ફરીથી સ્થાપીત કરવાની જરૂર છે. પક્ષના બંધારણમાં એવી અનેક ચીજો લાવવાની જરૂર છે જે ત્યાં નથી.

 

(11:08 am IST)