Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ખતરાની ઘંટડી

આંદામાન-નિકોબાર : આ દુલર્ભ જનજાતિની કુલ વસ્તી ૫૩ : ચારને થઇ ગયો કોરોના

કોલકાતા,નવી દિલ્હી,તા. ૨૮: ભારતના આંદામાન નિકોબાર દ્વીપ સમૂહની એક દુર્લભ જનજાતિના ચાર સભ્યો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ગ્રેટ અંદમાનીઝ જાતિના ૪ સભ્યોમાંથી બે લોકોને હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. તે ઉપરાંત બે અન્ય લોકો એક કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેટ કરાયા છે. ગ્રેટ અંદમાનીઝ મોંગોલોઈડ અને આફ્રિકન મૂળની છ આદિવાસી જાતિઓમાંથી એક છે. જેઓ હજારો વર્ષોથી અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં રહે છે.

 

મીડિયા રિપોર્ટસ મુજબ, કોરોનાથી સંક્રમિત થયેલા આ લોકો જે જાતિનો ભાગ છે, તેમના માત્ર ૫૩ લોકો જીવિત હોવાનું કહેવાય છે. આ લોકો અંદમાન નિકોબાર દ્વીપ સમૂહના એક આઈલેન્ડ પર રહે છે. ડોકટરો મુજબ, આ બધા સંક્રમિત લોકોની સ્થિતિ હાલ સ્થિર છે.

ગ્રેટ અંદમાનીઝ નામની જે જાતિના લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે, તેના હજારો લોકોની બ્રિટિશ રાજમાં હત્યા કરવામાં આવી હતી. તે ઉપરાંત આ જાતિના લોકો ગંભીર બીમારીઓની ઝપેટમાં આવવાની જીવ ગુમાવી ચૂકયા છે. જોકે, ઘણી દુર્લભ થઈ ચૂકેલી આ જાતિનું રક્ષણ કરવા માટે સરકારે અહીં વિકાસની બધી સ્કીમ્સ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ અહીં હેલ્થ ફેસિલિટી વધુ પ્રભાવી રીતે પહોંચાડવાનો પ્રયાસ પણ થયો છે.

આંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં કોરોના સામેની લડાઈની વ્યવસ્થા જોઈ રહેલા ડો. અવિજિત રાવે જણાવ્યું કે, હાલમાં જ ગ્રેટ અંદમાનીઝ જાતિના લોકોનો કોરોના ટેસ્ટ કરાયો હતો. આરટી-પીસીઆર ટેસ્ટ બાદ જ આ જાતિના ચાર લોકો સંક્રમિત થયાની પુષ્ટિ થઈ.

જણાવાઈ રહ્યું છે કે, ૪ લોકોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ આ જાતિના બાકીના લોકોને પોર્ટ બ્લેયરના એક ખાસ દ્વીપ પર મોકલી દેવાયા છે. દર્દીઓની દેખરેખ કરી રહેલા એક અધિકારીએ કહ્યું કે, આ જાતિના લોકોમાં સંક્રમણ ફેલાવાનું કારણે હવે અમે અમારા લોકોને હાઈ એલર્ટ પર રાખ્યા છે. તે ઉપરાંત અહીં વિશેષ હોડી અને મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કરાઈ છે, જેથી કોઈપણ દર્દીને યોગ્ય મેડિકલ સેવા આપી શકાય.ઉલ્લેખનીય છે કે, અંદમાન નિકોબાર દ્વીપ સમૂહના પૂર્વ વિસ્તારમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમણના ૨૯૮૯ કેસ નોંધાઈ ચૂકયા છે. અહીં પર પહેલો કેસ જૂન મહિનામાં નોંધાયો હતો.

(11:09 am IST)