Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

જીએસટી રિફંડ માટે વર્ષ દીઠ અરજીની જોગવાઈ રદઃ એક જ અરજી પર્યાપ્ત

અલગ અલગ નાણાકીય વર્ષના રિફંડ માટે હવે એક જ અરજી કરવાની રહેશેઃ જીએસટી પોર્ટલ પર વેપારીઓના હિતમાં સુવિધા કાર્યરત કરી દેવાઇ

મુંબઇ,તા.૨૮ : જીએસટી રિફંડ મેળવવા માટે પહેલા વેપારીઓએ અલગ-અલગ વર્ષ પ્રમાણે અરજી કરવાની રહેતી હતી. તેના લીધે વેપારીઓએ પરેશાનીનો પણ સામનો કરવો પડતો હતો. તેના બદલે હવેથી જીએસટી લાગુ થયા બાદ અત્યાર સુધીનું રિફંડ મેળવવા માટે વેપારીઓએ એક જ અરજીથી પણ રિફંડ મળી શકશે. આ માટેની સુવિધા આજથી જીએસટી પોર્ટલ પર શરૂ કરી દેવામાં આવી છે.

વેપારીઓને રિફંડ મેળવવા પરેશાનીનો સામનો કરવો નહીં પડે તે માટે મે માસમાં જીએસટી વિભાગે જાહેરનામું બહાર પાડીને હવે એક જ અરજી કરવાની રહેશે તેવી જાહેરાત કરી હતી. જેથી વેપારીઓએ અલગ અલગ નાણાકીય વર્ષ પ્રમાણે અરજી કરવામાંથી છુટકારો મળવાનો હતો. પરંતુ કોરોનાની મહામારીને કારણે આ સુવિધાની શરૂઆત જીએસટી પોર્ટલ પર શરૂ થઇ શકી નહોતી. જયારે આજથી પોર્ટલ ૫૨ આ સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. તેના લીધે વેપારીઓએ જીએસટી લાગુ થયા બાદ અત્યાર સુધી બાકી રહી ગયેલા રિફંડ માટે વર્ષ પ્રમાણે અરજી કરવાના બદલે તમામ રિફંડ માટે એક જ અરજીથી પણ રિફંડ મેળવી શકાશે. આ નિર્ણયને કારણે વેપારીઓએ રિફંડ મેળવવા માટે અલગ-અલગ અરજી કરવામાંથી છૂટકારો મળવાનો છે. તેમજ વેપારીઓએ રિફંડ માટે અલગ-અલગ ફાઇલ તૈયાર પણ કર્યા વિના એક જ ફાઇલ રજૂ કરીને પણ રિફંડની સુવિધાનો લાભ મેળવી શકશે.

(11:14 am IST)