Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

મોદી સરકારને સાણસામાં લેવાની તૈયારીમાં રર વિપક્ષો

ચોમાસુ સત્ર પહેલા મીટીંગની શકયતા

નવી દિલ્હી તા. ર૮: સંસદના ચોમાસુ સત્રમાં મોદી સરકારને વિભીન્ન મુદ્દે ઘેરવા માટે વિપક્ષો એક જૂટ થવાની કસરતમાં લાગીગયા છે. કોરોના સામે લડવાથી માંડીને બધા મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે ટુંક સમયમાં જ દેશના રર વિપક્ષો એક મીટીંગ કરવાના છે. આ મીટીંગ ૧૪ સપ્ટેમ્બરે શરૂ થનાર ચોમાસુ સત્ર પહેલા વર્ચ્યુઅલ રીતે થશે. આ માહિતી આ બાબતો સાથે સંકળાયેલા કેટલાક વિપક્ષી નેતાઓએ આપી.

રર મે એ પણ વિપક્ષોની આ પ્રકારની એક મિટીંગ થઇ હતી, જેમાં કોરોના વાયરસના કહેર દરમ્યાન મોદી સરકારના દેશવ્યાપી લોકડાઉનની ટીકા કરાઇ હતી. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે કોરોનાને ર૧ દિવસમાં ખતમ કરવાનો વડાપ્રધાનનો દાવો ખોટો પડયો હતો અને સરકાર પાસે લોકડાઉન અંગેનું કોઇ પ્લાનીંગ નહોતું. સોનિયાએ વડાપ્રધાન મોદીના ર૦ લાખ કરોડના આર્થિક પેકેજને દેશ સાથેની એક મજાક ગણાવ્યું હતું.વિપક્ષોની આગામી મિટીંગમાં કોવિડ-૧૯ સાથે સંકળાયેલા પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને એક અભિયાન શરૂ કરવાની યોજના તૈયાર કરવાની આશા છે. વિપક્ષી નેતાઓએ કહ્યું કે બંધારણીય વ્યવસ્થાને ખતમ કરાઇ રહી છે અને આર્થિક રીતે લોકોને તાત્કાલિક રાહત આપવાની જરૂર છે. આ યોજનામાં સામેલ નેતાઓએ કહ્યું કે વિપક્ષો એ વાત પર પણ ચર્ચા કરશે કે દિલ્હીમાં ફેબ્રુઆરીમાં થયેલી કોમી હિંસામાં કેન્દ્ર અને તેની એજન્સીઓએ પુર્વ ગ્રહથી કેવી રીતે કામ કર્યું અને કેવી રીતે અસંતોષના કોઇપણ અવાજને રાષ્ટ્રવિરોધી જાહેર કરાયો.

કોંગ્રેસના ટોચના નેતાઓ ઉપરાંત, ભૂતપૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવગૌડા, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરે, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, ઝારખંડના સી. એમ. હેમંત સોરેન, એનસીપીના અધ્યક્ષ શરદ પવાર, ડીએમકેના સ્ટાલીન, માર્કસવાદી સામ્યવાદી પક્ષના પ્રમુખ સીતારામ યુચુરી આ વિપક્ષી એકતાની મીટીંગમાં સામેલ થશે આ ઉપરાંત એલ જેડી, આર જે.ડી, ઇન્ડીયન મુસ્લિમ લીગ, નેશનલ કોન્ફરન્સ, વગેરેના નેતાઓ પણ આમાં સામેલ થવાની આશા છે.

(11:41 am IST)