Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

અંતિમ વર્ષની પરીક્ષા લીધા વગર વિદ્યાર્થીઓને પાસ કરી શકાય નહી : સુપ્રીમ કોર્ટ

યુનિવર્સિટીઓની અંતિમ વર્ષની પરીક્ષાઓ લેવા માટે સુપ્રીમની લીલીઝંડી

નવી દિલ્હી તા. ૨૮ : કોરોના મહામારીના સમયમાં પરીક્ષાને લઈને દેશમાં ચાલી રહેલી ચર્ચાઓની વચ્ચે આજે સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટીઓની ફાઈનલ યરની પરીક્ષા મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, યુનિવર્સિટીઓની અંતિમ વર્ષની પરીક્ષાઓ થશે. કોઈ રાજયને લાગે છે કે તેમના માટે પરીક્ષાઓ લેવી શકય નથી તો તેઓ યુજીસીની પાસે જ શકે છે. અંતિમ વર્ષની પરીક્ષા લીધા વગર વિદ્યાર્થીઓને પ્રમોટ કરી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટમાં અંતિમ વર્ષની પરિક્ષા રદ કરવાની અરજી પર ૧૮ ઓગસ્ટના રોજ સુનાવણી થઈ હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી અને કોલેજોની અંતિમ વર્ષની પરીક્ષાઓને લઈને પોતાના નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ સાથે જ કોર્ટે તમામ પક્ષોને ત્રણ દિવસની અંદર લેખિત જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. કોર્ટે જણાવ્યું હતું કે, હવે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે ડિગ્રી કોર્સના અંતિમ વર્ષની પરીક્ષાઓ રદ થશે કે નહીં.

સુપ્રીમ કોર્ટની અશોક ભૂષણના વડપણ હેઠળની બેંચે સુનાવણી દરમિયાન સરકારને સવાલ કર્યો હતો કે, શું યુજીસીના આદેશ અને નિર્દેશમાં સરકાર દરમિયાનગીરી કરી શકે છે. આ ઉપરાંત કોર્ટે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીનો હિત કઈ વસ્તુમાં છે? તે વિદ્યાર્થી નક્કી કરી શકતા નથી તેના માટે કાયદાકીય સંસ્થા છે, વિદ્યાર્થી આ બધુ નક્કી કરવા માટે સક્ષમ નથી.

યૂજીસી (UGC)ના નિર્ણયને બરકરાર રાખતાં કહ્યું છે કે અંતિમ વર્ષની પરીક્ષાઓ ૩૦ સપ્ટેમ્બર સુધી યોજવામાં આવે. કોર્ટે કહ્યું કે, રાજય અંતિમ વર્ષની પરીક્ષાઓ વગર સ્ટુડન્ટ્સને પ્રમોટ ન કરી શકે. આદિત્ય ઠાકરેની યુવા સેના સહિત અનેક અરજીઓમાં કોરોના વાયરસ સંકટની વચ્ચે પરીક્ષાઓ રદ કરવાની માંગ કરવામાં આવી હતી. અરજીઓમાં સ્ટુડન્ટ્સની સામે આવનારા પડકારોનો હવાલો આપતાં કહેવામાં આવ્યું છે કે તમામ શૈક્ષણિક સંસ્થાન વાયરસના સંકટના કારણે બંધ છે, માંગ કરવામાં આવી હતી કે તેના કારણે પરીક્ષા રદ કરી દેવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, જે રાજય ૩૦ સપ્ટેમ્બર સુધી અંતિમ વર્ષની પરીક્ષા યોજવા ઈચ્છુક નથી, તેમણે યુજીસીને તેની જાણકારી આપવી પડશે. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી બેન્ચે પોતાનો ચુકાદો સંભળાવ્યો જેને ૧૮ ઓગસ્ટે આ વિષય પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો.

અરજીમાં તર્ક આપવામાં આવ્યો હતો કે સ્ટુડન્ટ્સે પાંચ સેમેસ્ટર પૂરા કર્યા છે અને તેમના કયૂમીલેટીવ ગ્રેડ CGPAના આધાર પર ફાઇનલ યરનું પરિણામ જાહેર કરી શકાય છે. યુજીસીએ સપ્ટેમ્બરના અંત સુધી પરીક્ષાઓ આયોજિત કરવાનો આદેશ આપ્યો હતો. યુજીસીએ તર્ક આપ્યો હતો કે પરીક્ષા સ્ટુડન્ટ્સના શૈક્ષણિક ભવિષ્યની રક્ષા કરવા માટે યોજવામાં આવી રહી છે અને પરીક્ષાઓ વગર ડિગ્રી ન આપી શકાય.

(2:54 pm IST)