Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

JEE-Neetની પરીક્ષામાં વિરોધ વચ્‍ચે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે નેશનલ ટેસ્‍ટીંગ એજન્‍સી કરોડો રૂપિયા ખર્ચશેઃ કોરોના સંક્રમણથી બચાવવા માટે 1300 ઇન્‍ફ્રારેડ થર્મોમીટર ગન અને 6600 હેન્‍ડ સેનિટાઇઝર તેમજ 10 લાખ માસ્‍ક-હેન્‍ડ ગ્‍લોવ્‍ઝ સહિતના સુરક્ષા સાધનો તૈયાર

નવી દિલ્હી: JEE-NEETની પરીક્ષાને લઈને ચાલી રહેલા ઉગ્ર વિરોધ વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ એક્ઝામ કોઈ પણ પરેશાની વિના યોજવા અને વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણથી બચાવવા માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે.

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, કોરોના કાળમાં પરીક્ષા યોજવા માટે 10 લાખ માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝની જરૂરીયાત પડશે. આ સિવાય 1300 ઈફ્રારેડ થર્મોમીટર ગન અને 6600 લીટર હેન્ડ સેનિટાઈઝરની જરૂરત પડશે.

આ સિવાય દેશભરમાં ફેલાયેલા કુલ સેન્ટરો પર 3300 સ્પ્રે બૉટલ અને 3300 વધારાના સફાઈ કર્મચારીઓની પણ આવશ્યક્તા રહેશે. આ તમામ વ્યવસ્થાઓ પૂરી પાડવા પાછળ અંદાજિત કુલ 13 કરોડ રૂપિયાનો ખર્ચો થશે.

સપ્ટેમ્બરમાં યોજાનારી આ પરીક્ષા કોરોના વાઈરસ બાદની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની એક્ઝમ હશે. આ માટે કોરોના સંક્રમણના સંકટ વચ્ચે આ પરીક્ષા યોજવી એક મોટો પડકાર છે.

એન્જિનિયરિંગ માટેની એન્ટ્રન્સ એક્ઝામ JEE Mainની પરીક્ષા 1 થી 6 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે. જ્યારે NEET (UG) 2020ની પરીક્ષા 13 સપ્ટેમ્બરે યોજાશે.

JEE Main પરીક્ષા માટે દેશભરમાં સાડા આઠ લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે NEET માટે લગભગ 1.14 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

જણાવી દઈએ કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પહેલા JEE મેઈન પરીક્ષા માટે દેશભરમાં 540 પરીક્ષા કેન્દ્રોની પસંદગી કરી હતી. જો કે કોરોના સંકટને જોતા તકેદારીના ભાગરૂપે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે એક્ઝામ સેન્ટર્સની સંખ્યાને વધારી દીધી છે.

(5:33 pm IST)